ખઈકે પાન બનારસવાલા ખુલ જાયે બંધ અકલ કા તાલા... એ ઝમકદાર ગીત હવે શબ્દો બદલીને ગાવું પડશે કે ખઈકે પાન બિકાનેરવાલા, ખુલ જાયે બંધ અકલ કા તાલા... કારણ, બિકાનેરના મેઈન માર્કેટમાં આવેલી પાનની નાનકડી દુકાનમાં સોનાથી લદાયેલા એક પ્રભાવશાળી બાબાજીને પાન બનાવતા જોઈને ભલભલાની અક્કલ કામ કરતી બંધ થઇ જાય છે. ઓલ્ડ ઈઝ ગોલ્ડ ભલે કહેવાતું હોય, પરંતુ આ બાબાજી ઉંમરમાં ઓલ્ડ છે અને શરીર ઉપર લગભગ બે કરોડ રૂપિયાનું ગોલ્ડ પહેરીને બેસે છે. ફૂલચંદ બાબાને સોનું પહેરવાનો એટલો શોખ છે કે ગળામાં સોનાના હાર, બંને હાથમાં સોનાના કડા, કાનમાં સોનાના વજનદાર કુંડળ સહિત બે કિલો સોનાનાં આભૂષણ પહેરીને પાનની દુકાનમાં બેસે છે. કોઇ પણ વ્યક્તિ તેમના શરીર પર આટલું બધું સોનું જોઇને ચકરાઇ જાય છે. પાનની આ દુકાન લગભગ 93 વર્ષ જૂની છે. ગોલ્ડન બાબાની દુકાને મળતાં જાત જાતના પાન ખાવા માટે દૂર દૂરથી લોકો આવે છે. સોશિયલ મીડિયામાં ઓલ્ડમેન - ગોલ્ડમેનનો વીડિયો વાઈરલ થયા પછી તો બહારગામથી પણ પાનના શોખીનો બિકાનેર આવવા લાગ્યા છે અને મનોમન ગાવા માંડયા છે - ખઇકે પાન બિકાનેરવાલા...