ઓસ્ટાના: બાળકનો જન્મ થાય ત્યારે પરિવારના બધા લોકો ખુશ થઈ જતા હોય છે, પરંતુ ઇટલીના ઓસ્ટાના શહેરમાં ૨૮ વર્ષની વાટ જોયા પછી બાળકનો જન્મ થતાં શહેર આખું ઝૂમી ઉઠયું છે. આ શહેરમાં છેલ્લે ૧૯૮૦માં બાળકનો જન્મ થયો હતો. તુરીન હોસ્પિટલમાં જન્મેલા આ બાળકનું નામ પાબ્લો રખાયું છે. આ બાળકના માતા પિતાને શહેરના લોકોએ ખૂબ જ સમજાવીને શહેરમાં રાખ્યા હતા. ઓસ્ટાનામાં મોટા ભાગના લોકો ઉંમરલાયક છે. રજાઓ તથા વેકેશનમાં પણ બહાર રહેતા લોકો અહીં આવવાનું પસંદ કરતા નથી. ઇટલીના લા સ્ટામ્પા અખબારના જણાવ્યા અનુસાર, ઓસ્ટાનામાં માત્ર ૮૪ લોકો રહેતા હતા તે વધીને ૮૫ થયા છે. એક સમયનું પ્રચંડ વસ્તીથી ધમધમતું ઓસ્ટાના હવે ઉજજડ થઇ ગયું હોવા છતાં તેની ઇટલીના શહેરોમાં ગણતરી થાય છે. શહેરના પ્રવેશદ્વાર પાસે સારસ પક્ષીની જોડીનું મોડેલ છે, પરંતુ પ્રેમના પ્રતીક એવા યુવા જોડીઓ શહેર છોડીને બહાર રહેવા જતી રહે છે. આ શહેરની સૌથી મોટી સમસ્યા ઘટતી જતી વસ્તી હોવાથી ૨૮ વર્ષ બાદ જન્મેલા બાળકનો લોકોએ ઉત્સવ મનાવ્યો હતો. પાઇડમાંટ વિસ્તારમાં પહાડોની વચ્ચે આવેલા ઓસ્ટાનાના મેયર ગિયાકોમા લોમબારડોએ બાળકના જન્મ પછી કહ્યું હતું કે, આ શહેરમાં નાના બાળકનું આગમન થવું એ સપનાં જેવું લાગે છે. ૧૯મી સદીની શરૂઆતમાં ૧૦ હજાર પરિવાર શહેરમાં રહેતા હતા. બીજા વિશ્વયુદ્ધ પછી આજ સુધી પરિવાર અને લોકોની સંખ્યા સતત ઘટતી ગઇ છે.
જન્મદરમાં ઘટાડાની સૌથી વધારે શરૂઆત તો વર્ષ ૧૯૭૫માં થઇ હતી. આ વર્ષમાં એક પણ બાળકનો જન્મ થયો ન હતો. વર્ષ ૧૯૭૬થી ૧૯૮૭ વચ્ચે માત્ર ૧૭ બાળકોનો જ જન્મ થયો હતો. ત્યાર પછી પાબ્લોનું આગમન થયું છે. ઘટતી જતી વસ્તીને રોકવા માટે શહેરમાં જ રોજગાર ધંધા વિકસાવવા એ જ એક માત્ર ઉપાય છે. માત્ર ઓસ્ટાના જ નહીં ઇટાલીના કેટલાય નાના શહેરો ઘટતી જતી વસ્તીની સમસ્યાથી પરેશાન છે. એક સમયે ઓસ્ટાનામાં કોઇ નહીં રહેતું હોય એ કલ્પના જ ધ્રુજાવી નાંખે તેવી છે. યુવાનોને મેગા સિટીઝનું આકર્ષણ રોકવા માટે નક્કર પ્રયાસો કરવાની તાતી જરૂરિયાત છે. ઓસ્ટાનામાં બહારના લોકોએ વસવું હોય તો કેટલાય લોકો પોતાનું ઘર મફત આપવા પણ તૈયાર છે.