તિરુવનંતપુરમ્ઃ દક્ષિણ કેરળમાં પંપા નદીને કિનારે વસેલા નાનકડા, પણ હરિયાળીથી હર્યાભર્યા પથાનામથિટ્ટા ગામના કલાકારો કથકલી નૃત્ય કરવા માટે જાણીતા છે. આ કલાકારો પૌરાણિક કથકલી નૃત્યમાં એટલી પારંગતતા ધરાવે છે કે તેઓ માત્ર હિંદુ કથા અને પુરાણકથાઓ પર જ નૃત્ય નથી કરતા પણ ઘણી વાર બાઈબલની કથાઓ પર પણ નૃત્ય કરતા હોય છે. હવે આ ગામને કથકલી નામની જ ઓળખ આપી દેવામાં આવી છે.
બાર-બાર વર્ષના પ્રયાસને અંતે પથાનામથિટ્ટા ગામનું હવે સત્તાવાર રીતે કથકલી ગ્રામમ નામકરણ કરવામાં આવ્યું છે. હવે તે ભારતીય નકશામાં પણ આ જ નામથી ઓળખાશે. ત્રણ સદી પહેલાં કેરળમાં કથકલી નૃત્ય શૈલીનો ઉદ્ભવ થયો હતો. તે નૃત્યમાં નાટ્ય, સંગીત, નૃત્ય, પોશાક, મેકઅપ એમ કલાના તમામ પાસાનું સંમિશ્રણ છે. કથકલી કલાકારો અંગભંગિમા થકી ભારતના મહાકાવ્યોની કથાઓનું નિરૂપણ કરતા રહેતા હોય છે.