છતરપુરઃ સાજનમાજન સાથે કન્યા પક્ષના આંગણે પહોંચેલા જાનૈયાઓને શાનદાર સ્વાગતની અપેક્ષા હોવી સ્વાભાવિક છે, પરંતુ દક્ષિણ દિલ્હીના છત્તરપુરમાં કન્યા પક્ષે જાનૈયાઓનું એવું તે ‘જોરદાર’ સ્વાગત કર્યું કે ભાગંભાગી થઇ ગઇ હતી. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ઘનશ્યામ અનુરાગી લગ્ન કરવા માટે જાન લઇને મહોબા આવ્યા હતા. ત્યાં પહેલાથી હાજર રહેલા ૨૦૦ યુવકો વરરાજા સહિત દરેક જાનૈયાઓને અલગ અલગ રૂમમાં લઇ ગયા હતા અને પછી દરવાજા બંધ કરીને લાકડીઓથી ધોકાવ્યા હતા. એટલું જ નહીં, જાનૈયાઓને લગ્ન કર્યા વગર જ પાછા ભગાડ્યા હતા.
વરરાજાએ ૧૪ જુલાઇએ છતરપુરના એસપીને પોતાની આપવીતી જણાવી હતી. તેમણે તરત તપાસના આદેશ આપ્યા છે. વરના પિતા જંગી અનુરાગીએ જણાવ્યું કે લગ્નના બે દિવસ પહેલાં તેમના ઘરે સગાઇનું આયોજન કરવામાં આવ્યું હતું. સગાઇનો સમય સાંજનો હોવા છતાં કન્યા પક્ષના લોકો બપોરે જ આવી ગયા હતા. તેઓ નિયત સમય કરતાં બહુ વહેલા બપોરે જ આવી જતાં તેમનું સારી રીતે સ્વાગત થઇ શક્યું નહોતું. આથી તેઓ નાખુશ થઇ ગયા અને કહ્યું તમે જાન લઇને આવજો, તમારું બહુ સારું સ્વાગત કરવામાં આવશે. તેમણે સગાઇના કાર્યક્રમનો બદલો જાનમાં તમામની પિટાઇ કરીને કર્યો.