કન્સ્ટ્રકશન ઓફ સ્વિત્ઝર્લેન્ડઃ વિશ્વની સૌથી લાંબી રેલ ટનલ ખુલ્લી મૂકાઇ

Thursday 02nd June 2016 04:24 EDT
 
 

ઝુરિચઃ સ્વિત્ઝર્લેન્ડમાં વિશ્વની સૌથી મોટી અને લાંબી રેલવે ટનલ ખુલ્લી મૂકાઇ છે. આ યોજનાની ડિઝાઇન ૭૦ વર્ષ પૂર્વે તૈયાર થઇ હતી, જે પહેલી જૂને વાસ્તવમાં સાકાર થઇ છે. ૫૭ કિલોમીટર લાંબી આ ગોથાર્ડ બેઝ ટનલ સ્વિત્ઝર્લેન્ડના સેન્ટ્રલ કેન્ટન (પ્રાંત) ઉરીના ઇસ્ટફિલ્ડથી શરૂ થઈને સાઉથ કેન્ટન ટિસિનોના બોડિયો સુધી પહોંચે છે. યુરોપના ઉત્તર અને દક્ષિણ ભાગને જોડતી આ ટનલના ગ્રાન્ડ ઓપનિંગ પ્રસંગે જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ, ફ્રાન્સના પ્રેસિડેન્ટ ફ્રાન્કવા ઓલાન્દ અને ઇટલીના વડા પ્રધાન માતેઓ રેન્જી ઉપસ્થિત રહ્યા હતા અને ટ્રેનમાં મુસાફરી કરી હતી. આ પ્રોજેક્ટને સ્વિત્ઝર્લેન્ડે કન્સ્ટ્રક્શન ઓફ કન્ટ્રી એટલે કે દેશનું સર્વોત્તમ નિર્માણ ગણાવ્યું છે.

આલ્પ્સ પર્વત નીચેથી પસાર થતી આ ટનલ બે સ્લોટમાં બની છે એટલે કે પાસ-પાસે બે ટનલ છે. જેમાંથી યુરોપની હાઈસ્પીડ રેલવે પસાર થશે. અત્યાર સુધી આલ્પ્સની દુર્ગમ પર્વતમાળામાં માલસામાન હેરફેર ખૂબ અઘરી હતી, જે આ ટનલને કારણે એ સરળ થશે એવું સ્વિત્ઝર્લેન્ડ સરકારે જણાવ્યું હતું. જાપાનની સેઇકેન સુરંગ ૫૩.૯ કિલોમીટરની લંબાઈ સાથે અત્યાર સુધી નંબર હતી. આ સ્થાન હવે ગોથાર્ડે લીધું છે. તમામ પરીક્ષણોમાં પૂરા થયા પછી આ ટનલના બંને ટ્રેકમાંથી દરરોજ ૨૬૦ માલસામાન ભરેલી ગુડ્સ ટ્રેન અને ૬૫ પેસેન્જર ટ્રેન પસાર થશે.

ટનલની કુલ લંબાઈ ૫૭.૧ કિલોમીટર છે અને તેને તૈયાર થતાં ૧૭ વર્ષ લાગ્યા છે. આ ટનલ પાછળ સ્વિસ સરકારે કુલ ૧૨૫૦ કરોડ ડોલરનો ખર્ચ કર્યો છે. ટનલનિર્માણ માટે ઉપયોગમાં લેવાતું ૪૧૦ મીટર લાંબુ મશીન કામે લાગ્યું ત્યારે આ પ્રોજેક્ટ શક્ય બન્યો છે. સાથે સાથે ટનલના નિર્માણકાર્ય માટે ૨૬૦૦ લોકો જોડાયા હતા. ઇટાલીના મિલાનથી સ્વિત્ઝર્લેન્ડના ઝુરિચ વચ્ચેનું અંતર કાપતાં ચાર કલાકનો સમય લાગતો હતો, જે સમય આ ટનલને કારણે ઘટીને માત્ર એક કલાક થઇ જશે.

ટ્રાફિક અને પ્રદૂષણ ઘટશે

આ નવા માર્ગનો ઉદ્દેશ્ય રેલવે ભાડાંને ઓછો કરવાનો છે. આમા મોટા ભાગે ભારે સામાન લઈ જઈ શકાશે. આથી રોડ ટ્રાન્સપોર્ટ અને ટ્રાફિક પર દબાણ ઓછું થતાં પ્રદૂષણ ઓછું થશે. સ્વિસ ફેડરલ રેલવે સર્વિસના મતે રેલવે પ્રવાસીઓની સંખ્યા ૯૦૦૦થી ૨૦૨૦માં ૧૫,૦૦૦ સુધી વધવાની આશા છે. યુરોપિયન યુનિયન ટ્રાન્સપોર્ટ કમિશ્નર વાયલેટા બુલ્કે ગયા સપ્તાહે આ ટનલને યુરોપ માટે 'ગોડસેન્ડ' કહ્યું હતું, જે રોટરડેમ અને એન્ટેર્પને એડ્રિયાટિકના બંદર સાથે જોડશે.

...પણ પહેલો નંબર ક્યાં સુધી રહેશે?

અત્યારે આ ટનલ ભલે પહેલા નંબરે હોય, પણ ચીન એ ખિતાબ લાંબો સમય રહેવા દેશે નહીં, ચીને ડાલિઆન અને યાનાતાઈ નામના દરિયાકાંઠાના બે શહેરોને જોડતી ટનલ પ્લાન કરી લીધી છે. દરિયાઈ ખાડી નીચેથી પસાર થનારી આ ટનલ ૧૨૩ કિલોમીટર લાંબી હશે. બોલાઈ સમુદ્ર નીચેથી પસાર થનારી આ ટનલનું બજેટ ૨૬૦ બિલિયન યુઆન નિર્ધારિત થયું છે અને ટનલ પૂરી કરવાનું વર્ષ ૨૦૨૪ નક્કી થયું છે.

ભારતની સૌથી લાંબી ટનલ કઈ?

કાશ્મીરમાં આવેલી પીર પંજાલ રેલવે ટનલ ભારતની સૌથી લાંબી ટનલ છે. જોકે તેની લંબાઈ સવા અગિયાર કિલોમીટર જેટલી જ છે. બનિહાલ અને કાઝિગુંડ સ્ટેશન વચ્ચે આ ટનલ પસાર થાય છે. જૂન ૨૦૧૩માં આ ટનલ ખુલ્લી મુકાઈ હતી. ભારતની સૌથી લાંબી ટનલ હોવા ઉપરાંત એ એશિયાની ચોથા ક્રમની લાંબી ટનલ છે. શિયાળામાં જ્યારે બરફને કારણે રસ્તા બંધ થઇ જાય છે ત્યારે પણ આ ટનલમાં ટ્રેનની અવરજવર ચાલુ રહે છે.

સાત દસક પૂર્વે પહેલી ડિઝાઈન

૧૯૪૭માં સૌપ્રથમ સ્વિસ એન્જિનિયર કાર્લ એડવર્ડ ગ્રૂનરે તેની પહેલી ડિઝાઈન તૈયાર કરી હતી. પ્રોજેક્ટનો મોટો ખર્ચ, નોકરશાહી પ્રક્રિયાઓમાં વિલંબ સહિત અન્ય કારણોસર આ પ્રોજેક્ટ ૧૯૯૯ સુધી અટકી ગયો હતો. ત્યારથી લઈને ૧૭ વર્ષમાં ૧૨ બિલિયન સ્વિસ ફ્રાન્ક (૧૨ બિલિયન ડોલર એટલે કે ૧૧ બિલિયન યુરો)ના ખર્ચે બનેલી ગોટહાર્ડ બેઝ ટનલ હવે જનતાની સેવામાં ખુલ્લી મૂકાઇ છે.

ટનલની વિશેષતા

- ૫૭ કિલોમીટર લાંબી ગોથાર્ડ રેલ ટનલ આલ્પ્સના મુખ્ય રેલ નેટવર્કમાં એક
- ૨૦ મિનિટ જેટલો સમય ટનલ પસાર કરવામાં લાગશે
- ૧૮૦૦ ફૂટ સૌથી ઊંચી ટનલ
- ૭૩ પર્વતો બ્લાસ્ટ કરાયા
- ૨૮ મિલિયન ટન પથ્થરો ખોદાયા
- ૧૨.૨ બિલિયન સ્વિસ ફ્રાન્ક સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ
- ૨૬૦ ગુડ્સ ટ્રેન અને ૬૫ પેસેન્જર ટ્રેન પસાર થશે
- ૨૦૦ કિ.મી.ની ઝડપે પેસેન્જર ટ્રેન પસાર થશે
- ૧૦૦ કિ.મી.ની ઝડપે ગુડ્સ ટ્રેન પસાર થશે
- ૧૧ ડિસેમ્બર, ૨૦૧૬થી સત્તાવાર સફર શરૂ થશે
- ૯ કામદારોના મોત નિર્માણ કામગીરી દરમિયાન થયા
- ૧૭ વર્ષનો સમય આ ટનલના નિર્માણમાં લાગ્યો
- ૩૨૦૦ કિ.મી. કોપર કેબલનો ટનલના નિર્માણમાં વપરાશ કરવામાં આવ્યો
- ૪૧૦ મીટર ડ્રિલિંગ મશીનની લંબાઈ રાખવામાં આવી હતી
- આ ટનલ ઉત્તર અને દક્ષિણી યુરોપને જોડવાનું કામ કરશે
- ૧૯૪૭માં સૌપ્રથમ એડવર્ડ ગ્રૂનરને આલ્પ્સ પર્વતમાં આ રેલવે ટનલ બનાવવાનો વિચાર આવ્યો હતો


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter