કપૂરથલાઃ એક જૂની હિન્દી ફિલ્મનું જાણીતું ગીત છેઃ આંખો હી આંખોમેં ઇશારા હો ગયા, બૈઠે બૈઠે જીને કા સહારા હો ગયા... કંઇક એવું જ પંજાબી પુતર અને અમેરિકાની કુડી સાથે થયું છે. બન્ને યુવા હૈયાના ફેસબુક પર દિલ મળ્યાં. અમેરિકી યુવતી કપૂરથલાના ફત્તૂઢીંગા ગામે પહોંચી અને પંજાબી યુવકને પરણી ગઇ. જોકે આમાં નવાઇની વાત એ છે કે પંજાબી યુવક લવપ્રીત સિંહ અંગ્રેજી નથી જાણતો અને અમેરિકી યુવતી સ્ટીવર્ટ પંજાબી નથી જાણતી. છતાં પ્રેમમાં પણ પડ્યાં, અને પરણ્યાં પણ ખરાં.
લગ્ન બાદ પતિ-પત્ની એકબીજા સાથે વાત કરવા એકમેકની ભાષા શીખી રહ્યા છે. કહેવાય છે કે જોડીઓ ઇશ્વર બનાવે છે. ફત્તૂઢીંગાના લવપ્રીત સિંહ સાથે પણ આવું જ થયું. તે દુબઇમાં નોકરી કરતો હતો ત્યારે અમેરિકાની સ્ટીવર્ટ સાથે ફેસબુક પર ફ્રેન્ડશિપ થઇ, જે પ્રેમમાં પરિણમી અને વાત લગ્ન સુધી પહોંચી. સ્ટીવર્ટને પંજાબી જ્યારે લવપ્રીત કે તેના પરિવારને અંગ્રેજી નથી આવડતું. આથી ઇશારામાં જ વાતો થાય છે.
ગૂગલના સહારે પ્રેમપંથ પર આગેકૂચ
પંજાબનો લવપ્રીત દુબઇમાં નોકરી કરતો હતો ત્યારે સોશિયલ મીડિયા પર આ અમેરિકી યુવતી સાથે ફ્રેન્ડશિપ થઇ હતી. લવપ્રીતે જણાવ્યું કે તેણે સોશિયલ મીડિયા પર સ્ટીવર્ટને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી તો તેણે સ્વીકારી લીધી. આ પછી વાતો થવા લાગી. મેરેજ માટે પ્રપોઝ કર્યું તો પહેલાં ના પાડી પણ પછી તૈયાર થઇ ગઇ. બંને ફેસબુક પર છેલ્લા એક વર્ષથી વાતો કરતા હતા. આ માટે તેઓ ગૂગલ ટ્રાન્સલેટરની મદદ લેતા હતા. બંને પોતાની ભાષામાં મેસેજ લખીને મોકલતા, અને ગૂગલ ટ્રાન્સલેટરની મદદથી પોતપોતાની ભાષામાં અનુવાદ કરીને તેનો અર્થ સમજતા. થોડાક સમય પછી તેમણે વીડિયો કોલિંગ કરવાનું શરૂ કર્યું. સ્ટીવર્ટ પરિણીત હતી પણ તેના ડિવોર્સ થઇ ચૂક્યા છે. આખરે બન્નેએ સપ્તપદીના ફેરા ફરવાનું નક્કી કર્યું.
તાજેતરમાં સ્ટીવર્ટ લવપ્રીતના ગામે પહોંચી અને બંને ગામના ગુરુદ્વારા સાહિબમાં શીખ વિધિથી પરણી ગયાં. લવપ્રીતના પરિવારજનો તેની પસંદથી બહુ ખુશ થયા અને રાજીખુશીથી બંનેના લગ્ન કરાવ્યા. લગ્નવિધિ દરમિયાન લાલ ચૂડા અને પિન્ક પાનેતર પહેરીને બેઠેલી સ્ટીવર્ટને પંજાબી નથી સમજાતી જ્યારે લવપ્રીતના પરિવારને અંગ્રેજીનું જ્ઞાન નથી. જોકે લવપ્રીત અને તેના માતા-પિતા તેનો દરેક ઇશારો સમજી લે છે.
લવપ્રીતની માતાનું કહેવું છે કે તેમને ખુશી છે કે દીકરો અમેરિકી લાડી લાવ્યો. જોકે, તેમને સ્ટીવર્ટની ભાષા સમજવામાં તકલીફ જરૂર પડે છે પણ ધીમે-ધીમે તેની ભાષા સમજવા લાગશે એવો તેમને વિશ્વાસ છે.