કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળાને બિલાડીઓએ ઘરવિહોણા કરી મૂક્યા!

Wednesday 20th March 2019 06:35 EDT
 

બેંગ્લૂરુઃ સામાન્ય રીતે તો ગવર્નરનું ઓફિશિયલ ઘર ‘રાજભવન’ એકદમ સુરક્ષિત ગણાય, પણ કર્ણાટકને આ વાત લાગુ નથી પડતી. કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળાના સત્તાવાર નિવાસસ્થાનમાં પરાણે મહેમાન બની હોય એ રીતે બિલાડીઓ ઘૂસી જતાં આ બિલાડીઓને પકડવા માટે વજુભાઈએ પોતે પણ ઘર ખાલી કરવું પડ્યું છે.
બન્યું એવું કે આ બિલાડીઓને પકડવા માટે પહેલાં બેંગલુરુ કોર્પોરેશને જાણ કરવામાં આવી હતી, પણ બિલાડીઓ પકડવાના કામમાં નિષ્ફળ જતાં કોર્પોરેશને આ કામ પ્રાઇવેટ એજન્સીને સોંપ્યું હતું. કોર્પોરેશન પાસે ડોગી અને ભૂંડ પકડવાનો એક્સપીરિયન્સ હતો, પણ બિલાડી પકડવાનો અનુભવ ન હોવાથી એ માત્ર બિલાડીઓ ગણી શક્યું હતું. એમાં ખબર પડી કે ઘરમાં ૩૧ બિલાડીઓ છે.
હવે આ ૩૧ બિલાડીઓ પકડવાની કામગીરી પ્રાઇવેટ એજન્સીને સોંપાઈ હતી. કામગીરી દસમીથી ઓછામાં ઓછા બે દિવસ ચાલવાની હોવાથી ઓછામાં ઓછી વ્યક્તિઓ ઘરમાં રહેતો સારું એવી જાણ એજન્સીઓએ કરતાં વજુભાઈ વાળાએ પણ વચ્ચેનો રસ્તો કાઢ્યો અને રાજકોટના નિવાસસ્થાને રહેવા આવી ગયા. વજુભાઈએ કહ્યું હતું કે, આપણી બિલાડી કરતાં ત્યાંની બિલાડી બહુ મોટી અને તોફાની છે. બિલાડીઓ ઘરમાં કૂદાકૂદ કરતી. રાતના સમયે વાસણ પછાડે. ફૂલદાની તોડી નાંખે. આપણને થાય કે ઘરમાં કોઈક ઘૂસી ગયું છે. બિલાડી પકડવાનો પ્રાઇવેટ એજન્સીને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે. આ કામ માટે મ્યુનિસિપલ કમિશનર એન. મંજુનાથ પ્રસાદ દ્વારા ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું હતું અને રૂ. ૯૮,૦૦૦માં કોન્ટ્રાક્ટ અપાયો છે. મંજુનાથ પ્રસાદે કહ્યું કે, ગવર્નર હાઉસમાં આવનારા ગેસ્ટ વીઆઇપી હોય છે. તેમને બિલાડી હેરાન કરે એ કેવી રીતે ચાલે? અને બિલાડીને પકડવાના કામમાં મોડું થાય એ પણ ચાલે નહીં એટલે આ કામ તાત્કાલિક ધોરણે સોંપાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter