સિંહભૂમઃ ઝારખંડના પૂર્વીય વિસ્તાર સિંહભૂમ જિલ્લાથી 70 કિલોમીટરના અંતરે આવેલા લખાઈડીહ ગામે પોતાના નામે અનોખો વિક્રમ નોંધાવ્યો છે. ચાર પહાડોની વચ્ચે વસેલા આ ગામમાં છેલ્લા કેટલાય દસકાઓમાં ક્યારેય પણ કોઈ વ્યક્તિ વિરુદ્ધ કોઈ જાતની ફરિયાદ નોંધાઇ નથી. ગામના સરપંચ કન્ડ્રુ રામ ટુટ્ટુએ કહ્યું હતું કે ગામમાં કોઈ પણ પ્રકારનો નશો પણ થતો નથી. આખી ટેકરી પર એક પણ મહુડાનું ઝાડ નથી. આ જ કારણ છે કે અહીં ક્યારેય હુમલો, ચોરી, ધાડ, લૂંટફાટ જેવી ઘટના બની નથી.
ગ્રામજન વિરામ બોદરા જણાવે છે કે અમે અમારાં ઘરોમાં ક્યારેય તાળાં મારતાં નથી. 80 વર્ષીય વીરમુની બાંડરાએ કહ્યું કે આટલી લાંબી જિંદગી દરમિયાન મેં ક્યારેય પણ ઝઘડો જોયો નથી. 69 પરિવારના આ ગામમાં મોટા ભાગના ગ્રેજ્યુએટ છે. ડુમરિયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ નાસુગના મુંડા કહે છે કે મેં તો મારી આખી પોલીસ કારકીર્દિમાં ક્યારેય આવું ગામ જોયું નથી. લખાઈડીહ ગામના લોકોમાં અતૂટ એકતા છે. આજ સુધી તો લખાઈડીહમાં ગુનાનો કોઈ બનાવ સામે
આવ્યો નથી.
ડુમરિયાથી 3 કિમીના અંતરે આવેલા ઝીલ ટોલામાં એક વખત હત્યાનો બનાવ બન્યો હતો. આ સિવાય આખી ટેકરી પર કોઈ ગુનો નોંધાયો નથી. એટલું જ નહીં જ્યારે નક્સલવાદ ચરમસીમાએ હતો ત્યારે પણ અહીં શાંતિ જોવા મળતી હતી.