કાર્યનિષ્ઠાઃ ૧૬ વર્ષથી આ ટીચર પહાડ ઓળંગી, હોડી ચલાવીને બાળકોને ભણાવવા પહોંચે છે

Wednesday 30th January 2019 07:24 EST
 
 

તિરુવનંતપુરમ્ઃ બાળકોનું ભવિષ્ય સુધારવામાં માતા-પિતા બાદ ગુરુનું જ સ્થાન આવે છે. તેથી જ દરેક સમાજમાં ગુરુઓને સર્વોચ્ચ માન-સન્માન અપાય છે. આજે આપણે એક એવા શિક્ષિકા વિશે જાણીશું કે જેઓ ગુરુ હોવાની ફરજ સુપેરે નિભાવી રહ્યા છે. તેમનું નામ છે ઉષાકુમારી. કેરળના તિરુવનંતપુરમમાં રહેતા સરકારી સ્કૂલ ટીચર ઉષાકુમારી છેલ્લા ૧૬ વર્ષથી રોજ જાતે હોડી ચલાવીને નદી ઓળંગ્યા બાદ દુર્ગમ પહાડ પાર કરીને પ્રાથમિક શાળામાં બાળકોને ભણાવવા પહોંચે છે.
ઉષાકુમારીને સ્કૂલે જવા-આવવામાં ૪ કલાકથી પણ વધુ સમય લાગે છે. સવારે ૭.૩૦ વાગ્યે ઘરેથી ટુ-વ્હીલર લઇને કુમ્બિક્કલ કડાવુ સ્થિત નદી સુધી પહોંચે છે. ત્યાંથી જાતે હોડી ચલાવીને નદી પાર કરે છે. તે પછી દુર્ગમ પહાડી વિસ્તારોમાં ચાલીને આદિવાસી ગામની ‘અગસ્ત્ય ઇગા પ્રાયમરી સ્કૂલ’માં પહોંચે છે. તેમને ક્યારેક સ્કૂલેથી નીકળવામાં મોડું થઇ જાય તો ગામના જ કોઇ વિદ્યાર્થીના ઘેર રોકાઇ જાય છે, જેથી તેમને બીજા દિવસે સ્કૂલે પહોંચવામાં મોડું ન થાય અને બાળકોના અભ્યાસમાં ખલેલ ન પડે. તેઓ રોજ રાત્રે ૮ વાગ્યા સુધીમાં ઘરે પહોંચે છે.
ઉષાકુમારી વિદ્યાર્થીઓને ભણાવવાની ફરજ બજાવીને જ સંતોષ માની લે છે તેવું નથી. તેઓ બાળકોને સ્કૂલમાં મળતા મધ્યાહન ભોજનનું પણ પૂરતું ધ્યાન રાખે છે અને ગામવાસીઓને શિક્ષણ પ્રત્યે જાગૃત કરવાનું કામ પણ કરે છે જેથી સાક્ષરતામાં વધારો થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter