વારાણસીઃ કાશીના કબીરનગરમાં આશ્રમમાં રહેતા સ્વામી શિવાનંદ આજની તારીખે વિશ્વમાં સૌથી વયોવૃદ્ધ છે. ૮ ઓગસ્ટ, ૧૮૯૬ના રોજ જન્મેલા સ્વામી શિવાનંદના શિષ્યોએ તેમના ૧૨૦મા જન્મદિને કોલકતામાં જન્મોત્સવ યોજ્યો હતો. હવે તેમના અનુયાયી ગિનીસ બુકમાં નામ નોંધાવવાના છે.
કોલકતામાં સ્વામી શિવાનંદ સાથે રહેતા તેમના શિષ્ય તુયા ઘોષે કહે છે કે ઓક્ટોબરમાં સ્વામીજી કાશી જશે પછી ગિનીસ બુકમાં નામ નોંધાવવા દાવો થશે. હાલ સૌથી લાંબા આયુષ્યનો વિક્રમ જાપાનના જિરોમાન કિમુરાના નામે નોંધાયેલો છે, જેમનું આયુષ્ય ૧૧૬ વર્ષ ૫૪ દિવસ છે. જોકે જૂન ૨૦૧૩માં તેમનું અવસાન થયું છે. દાવા માટે પાસપોર્ટ અને આધાર કાર્ડમાં નોંધાયેલી સ્વામી શિવાનંદની જન્મતારીખ રજૂ થશે.
પાંચ ફૂટ બે ઈંચ ઊંચા સ્વામી શિવાનંદ પોતાની તંદુરસ્તી અંગે કહે છે કે નો સેક્સ, નો સ્પાઈસી ફૂડ ને નિયમિત યોગ. વિશ્વના અનેક દેશોમાં ફેલાયેલા શિષ્યોને પણ તેમનો આ જ સંદેશો છે. ૧૯૨૫થી ૧૯૫૯ દરમિયાન ફ્રાન્સ, ગ્રીસ, માલ્ટા, જાપાન સહિત અનેક દેશો ફરી વળેલા સ્વામીજી કહે છે કે સાદું જીવન દીર્ઘાયુનો પાયો છે.
સાદું ભોજન - શિસ્તબદ્ધ જીવ
પશ્ચિમ બંગાળમાં જન્મેલા શિવાનંદ ૧૯૭૯માં બનારસ ગયા અને કબીરનગરમાં આશ્રમ સ્થાપીને ત્યાં જ સાદગીપૂર્ણ જીવન વીતાવે છે. દિનચર્યાનો આરંભ યોગાસનથી થાય છે. તેઓ એકદમ સાદું ભોજન લે છે, દૂધ અને ફળ પણ નહીં કેમ કે તે મોંઘા છે. તેઓ કહે છે કે દેશમાં બધાને ભોજન નથી મળતું, આથી તેઓ દિવસમાં એક જ વાર ભોજન લે છે. જેમાં એક લાલ મરચું, ભાત, બાફેલા શાકભાજી અને ઉકાળેલા પાણીનો સમાવેશ થાય છે.
તેમના તંદુરસ્ત દેખાવ પરથી કોઇ પણ વ્યક્તિ માટે તેમની ઉંમરનો અંદાજ લગાવવો અઘરો છે. શિવાનંદ અત્યંત ગરીબાઈમાં ઉછર્યા છે, આથી તેમણે સંન્યાસ લીધો છે. તેઓ માને છે કે તેમના દીર્ઘાયુનું રહસ્ય યોગ, શિસ્તબદ્ધ જીવન અને બ્રહ્મચર્ય જ છે. શિવાનંદ ફ્લોર પર એક સાદડી પર સૂએ છે ને લાકડાના એક ટુકડાનો ઉપયોગ ઓશીકા તરીકે કરે છે.