લંડનઃ માણસની ગંધપારખુ શકિત આમ તો કુતરા જેવા પ્રાણી જેટલી પાવરફૂલ હોતી નથી, પરંતુ લંડનમાં રહેતાં ૪૫ વર્ષનાં જો મેલોની અપવાદ છે. તેમને કુદરતે કોઇ પણ પ્રાણી કરતા પણ વધુ તેજ નાક આપ્યું છે. સામાન્ય રીતે કોઇને ગંધ પણ ના આવે એવી વિશિષ્ટ ગંધને તેઓ ઓળખીને યાદ રાખી શકે છે.
આર્થિક રીતે ખૂબ સમૃદ્ધ જો મેલોની સેન્ટનો ધમધમતો વેપાર ધરાવે છે. જોકે તેમની સુંઘવાની આ વિશિષ્ટ શકિત સેન્ટના બિઝનેસના કારણે નહીં, પરંતુ કુદરતી રીતે વિકસી છે. નવાઇ એ છે કે કેન્સર માટે આમ તો મેડિકલ ટેસ્ટ કરાવો પડે છે, પરંતુ તે શરીરની ગંધ પરથી જ કેન્સર છે કે નહી તે પકડી શકે છે. તેને શરીરના રાસાયણિક પરિવર્તનની ગંધ તરત નાકે ચડી જાય છે. મેલોની પોતે ૨૦૦૩માં કેન્સરનો ભોગ બની ચૂક્યાં છે. કુદરતી તેલમાં રહેલું એમીલ નામનું તત્વ સામાન્ય રીતે સુંઘીને પારખી શકતું નથી, પરંતુ મેલોની આ તત્વ સુંધીને પારખી શકે છે.
આ મહિલાને પોતાની પાસે ગંધ પારખવાની વિશિષ્ટ શકિત હોવાની જાણ એક મેડિકલ ડિટેકશન સેન્ટરમાં ગયાં ત્યારે ખબર પડી હતી.
લોકો ભલે તેમની આ ક્ષમતાને કુદરતની કૃપા ગણાવે, પણ ખરેખર તો આ એક બીમારી છે. તબીબી ભાષામાં તે સિનાસ્ટેસિયા નામથી ઓળખાય છે. આ એક ન્યૂરોલોજિકલ સ્થિતિ છે, જેમાં સેન્સ ઇન્દ્રીય ઓવરલેપ થાય છે. આથી ધ્વની અને રંગની વ્યાખ્યા પણ ગંધની જેમ કરે છે. ઉદાહરણ તરીકે તે સફેદ કે જાંબલી રંગ જૂએ તો યૂકેલિપ્ટસ કે બ્લેકકરંટની ગંધ મહેસુસ કરે છે. તેઓ જાઝ સંગીત સાંભળે તો પણ એક પ્રકારની ખૂશ્બુની અનુભૂતિ થાય છે. જો મેલોનીનું માનવું છે કે પોતે ગંધને શરીરથી નહી, પરંતુ કલ્પનાના માધ્યમથી વ્યકત કરે છે.