તિરુવનંતપુરમ્ઃ શ્રીપદ્મનાભસ્વામી મંદિરની માતબર સંપત્તિની ચર્ચા વચ્ચે કેરળના ગુરુવાયૂર મંદિરની સંપત્તિની જાણકારી આરટીઆઈ દ્વારા મેળવવામાં આવી હતી. આ માહિતી અનુસાર, ગુરુવાયૂર મંદિર પાસે બેંકમાં 1737 કરોડ રૂપિયા છે અને 271 એકર જમીનની માલિકી પણ મંદિરના નામે છે. એ ઉપરાંત ભગવાનને ભેટમાં આવેલા સોના-ચાંદીના દાગીના તો ખરા જ. સદીઓ જૂના આ ગુરુવાયૂર મંદિરમાં ભગવાન શ્રીવિષ્ણુની કૃષ્ણ સ્વરૂપે પૂજા થાય છે. મંદિરના દર્શને દેશભરમાંથી વર્ષે સેંકડો ભક્તો આવે છે. આ મંદિરની સંપત્તિની જાણકારી આરટીઆઈ દ્વારા એમ. કે હરિદાસ નામના એક્ટિવિસ્ટે મેળવી હતી. એમાં મળેલી જાણકારી પ્રમાણે મંદિર પાસે 1737 કરોડ રૂપિયાની બેંક ડિપોઝિટ છે ને 271 એકર જમીનની માલિકી પણ મંદિરના નામે બોલે છે.
મંદિરના મેનેજમેન્ટના કહેવા પ્રમાણે 2016થી સરકારી સહાય બંધ થઈ ગઈ છે. તેમ છતાં મુખ્યમંત્રી રાહત ફંડમાં મંદિરે 10 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. મંદિર એક હોસ્પિટલ પણ ચલાવે છે. જોકે, આરટીઆઈ એક્ટિવિસ્ટનો દાવો છે કે મંદિર મેનેજમેન્ટે હોસ્પિટલમાં સુવિધા વધારવાની જરૂર છે. વર્ષે માતબર રકમનું દાન મેળવતા આ મંદિરે શ્રદ્ધાળુઓ માટે સગવડ ઉભી કરવાની પણ જરૂરિયાત છે.
ગુરુવાયૂર મંદિર વતી રોકડ રકમ અને જમીનની જાણકારી આપવામાં આવી હતી, પરંતુ ભગવાનને વર્ષે કરોડો રૂપિયાના સોના-ચાંદીના ઘરેણા ભેટમાં આવે છે તે બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હોવાનું આરટીઆઈ એક્ટિવિસ્ટે કહ્યું હતું. તેનો દાવો હતો કે મંદિરને વર્ષે કરોડો રૂપિયાનું સોનું ભેટમાં મળી રહ્યું છે અને આ બધી રકમમાંથી મંદિરમાં આવતા ભક્તજનોની સુવિધા વધે તે પ્રકારની યોજના હાથ ધરવી જોઈએ.