નવી દિલ્હીઃ કેરળના એક ટ્રાન્સજેન્ડર દંપતી કે જેણે તાજેતરમાં જ તેમની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી તેણે સરકારી હોસ્પિટલમાં એક બાળકને જન્મ આપ્યો હોવાના અહેવાલ છે. ભારતમાં આ પ્રકારનો પ્રથમ કેસ હોવાનું મનાય છે. ટ્રાન્સ પાર્ટનર્સમાંની એક ઝિયા પાવલે જણાવ્યું હતું કે અહીંની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં આઠમી ફેબ્રુઆરીએ સવારે 9.30 વાગ્યે સિઝેરિયન ઓપરેશન દ્વારા બાળકનો જન્મ થયો છે. પાવલેએ કહ્યું કે બાળકને જન્મ આપનાર તેના પાર્ટનર ઝાહદ અને બાળક બંને તબિયત સારી છે.
જોકે, ટ્રાન્સ દંપતીએ પોતાના નવજાત શિશુના લિંગની ઓળખ જાહેર કરવાનો ઇન્કાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે ઝિયા પાવલે તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી હતી કે ઝાહદને આઠ મહિનાનો ગર્ભ છે. દંપતીએ કહ્યું કે માતા અને પિતા બનવાનું તેમનું સપનું સાકાર થયું છે. પાવેલ અને ઝાહદ છેલ્લા ત્રણ વર્ષથી સાથે છે. પાવલેએ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું કે અમને તેના પિતા બનવાનું મારું સપનું સાકાર થવાનું છે... અમને જાણવા મળ્યું છે કે ભારતમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિની ગર્ભાવસ્થાનો આ પહેલો કિસ્સો છે.
ઉલ્લેખનીય છે કે આ કપલ ત્રણ વર્ષથી સાથે રહે છે અને પોતાના લિંગ બદલવા માટે હોર્મોન થેરાપી કરાવી રહ્યા હતા. ઝાહદ પુરુષ બનવાનો હતો પરંતુ સંતતિ પ્રાપ્તિની ઈચ્છાને લીધે આ પ્રક્રિયા બંધ કરી દીધી હતી. પાવલે કહ્યું કે ટ્રાન્સજેન્ડર સમુદાય સમાજમાં સતત ભય હેઠળ જીવે છે. સમાજ શું વિચારશે તેની અમને બધાને ચિંતા હતી. એવા ઘણા ટ્રાન્સજેન્ડર લોકો છે જેઓ માતાપિતા બનવા માંગે છે. ઘણા ટ્રાન્સજેન્ડર લોકો છે જેમની ગર્ભાવસ્થા શક્ય છે, પરંતુ તેઓ શરમ કે સામાજિક કારણોસર પોતાની ઈચ્છા પૂરી કરી શકતા નથી.