ત્રિશૂર: ટેક્નોલોજીના વિકાસની સાથે સાથે હવે આસ્થા પણ ધીમે ધીમે હાઇટેક બનતી જઇ રહી છે, જેના પગલે હવે ધર્મમાં પણ ટેક્નોલોજીનો પ્રયોગ શરૂ થયો છે. કેરળના ત્રિશૂર જિલ્લામાં આવેલા ઇરિંજાદાપલ્લી શ્રીકૃષ્ણ મંદિરે હવે જમાના સાથે કદમ મિલાવતા હાઇટેક બનવાનો નિર્ણય લીધો છે. આ પ્રખ્યાત દેવાલયમાં તમામ પ્રકારના ધાર્મિક અનુષ્ઠાનો માટે અસલી હાથીના સ્થાને રોબોટિક હાથીનો ઉપયોગ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે મંદિર સમિતિને આ રોબોટિક હાથી પ્રાણીઓના અધિકાર માટે કાર્યરત સંસ્થા ‘પેટા ઇન્ડિયા’એ અભિનેત્રી પાર્વતી થિરુવોથુના સહયોગમાં ભેટમાં આપ્યો છે. આ મિકેનિકલ હાથીની ઊંચાઇ સાડા દસ ફૂટ છે અને તેનું કુલ વજન ૮૦૦ કિલોગ્રામ છે. આ હાથી પર ચાર લોકો સવાર થઇ શકે છે. એટલું જ નહીં, આ હાથીની સૂંઢ, મસ્તક, આંખ - કાન બધું જ ઇલેક્ટ્રિક રીતે સંચાલિત કરી શકાય છે.
અનુષ્ઠાનમાં હાથીનું આગવું મહત્ત્વ
દક્ષિણ ભારતીય પરંપરા અંતર્ગત ધાર્મિક અનુષ્ઠાનમાં હાથીનું આગવું મહત્ત્વ છે. જોકે ઘણી વાર અનુષ્ઠાન સમયે કે તેની પહેલાં હાથીઓ ખૂબ ઉગ્ર થઇ જતા હોય છે અને ઘણી વાર લોકોને જીવ પણ ગુમાવવો પડે છે. આ કારણસર મંદિર સમિતિએ ધાર્મિક અનુષ્ઠાનો માટે હાથીનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી ‘પેટા ઇન્ડિયા’એ મંદિરને આ રોબોટિક હાથીની ભેટ આપવાનો નિર્ણય કર્યો હતો. તાજેતરમાં મંદિરમાં નાદાયિરુથલ નામનું ધાર્મિક અનુષ્ઠાન કરાયું હતું, જેની તમામ વિધિ આ રોબોટિક હાથીની ઉપસ્થિતિમાં જ કરવામાં આવી હતી.
15 વર્ષમાં 526 લોકોનાં મોત
હેરિટેજ એનિમલ ટાસ્ક ફોર્સના એક રિપોર્ટ અનુસાર, કેરળમાં છેલ્લા 15 વર્ષ દરમિયાન હાથીઓના હુમલામાં 526 લોકોનાં મોત થયા છે. કેરળમાં ધાર્મિક તહેવારો દરમિયાન ચિકત્તુકાવુ રામચંદ્રન્ નામના હાથીનો સૌથી વધારે ઉપયોગ કરાતો રહ્યો છે. અહેવાલો અનુસાર આ હાથીએ 13 લોકોના જીવ લીધા છે.