તિરૂવનંતપુરમ: કેરળમાં ૮૬ વર્ષની એક હાથણીનું સૌથી મોટી ઉંમરની વૃદ્ધ હાથણી તરીકે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવાનું છે. ૮૬ વર્ષની દક્ષયાણી વિશ્વની સૌથી વૃદ્ધ જીવિત હાથણી છે. ત્રાવણકોર દેવાસમ બોર્ડ દ્વારા તેનું નામ ગિનિસ બુકમાં લખવા માટે અરજી થઈ છે. ત્રાવણકોર દેવાસમ બોર્ડ સબરીમાલા સહિત કેરળમાં ૧,૨૫૦ મંદિરોનો વહીવટ કરે છે. બોર્ડ પાસે ૩૩ હાથી છે જે મંદિરોમાં યોજાતા જુદાજુદા સમારંભમાં સામેલ થતા હોય છે.
બોર્ડનાં અધ્યક્ષ પ્રયાર ગોપાલકૃષ્ણનનું કહેવું છે કે તેમની પાસેનાં રેકોર્ડ મુજબ દક્ષયાણી વિશ્વની સૌથી મોટી ઉંમરની વૃદ્ધ હાથણી છે. ૨૭મી જુલાઈએ તેનું સન્માન કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભમાં કેરળ પોસ્ટલ સર્વિસ દ્વારા દક્ષયાણીનાં નામથી ખાસ ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવનાર છે. આ પ્રસંગે દક્ષયાણીની સંભાળ રાખનાર ૩ મહાવતોનું પણ સન્માન કરાશે. અત્યાર સુધી વિશ્વનાં સૌથી વૃદ્ધ હાથીનો રેકોર્ડ તાઈવાનનાં હાથીનાં નામ પર હતો જેની ઉંમર ૮૫ વર્ષની હતી. જોકે ૨૦૦૩માં તેનું મોત થયું હતું. દક્ષયાણી ત્રાવણકોરનાં શાહી પરિવારની શોભા હતી જેને ૧૯૪૯માં બોર્ડને ભેટમાં આપી દેવાઈ હતી. આ પ્રસંગે ત્રાવણકોર મંદિર બોર્ડ તેની પાસેનાં ૩૩ હાથીની ડિરેકટરી બનાવનાર છે જેમાં તેનાં જીવનને લગતી તમામ બાબતો દર્શાવવામાં આવશે.