નવી દિલ્હીઃ બ્રિટનના નામદાર મહારાણીના તાજને શોભાવતો કોહિનૂર હીરો ફરી એક વખત સમાચારમાં છે. આ હીરો કોઇ ચોરીને નથી લઇ ગયું, પણ બ્રિટનની ઇસ્ટ ઇંડિયા કંપનીને ભેટ આપવામાં આવ્યો હતો તેવા ભારત સરકારના નિવેદનથી દેશમાં દેકારો મચ્યો છે. લોકો માગ કરી રહ્યા છે આ હીરાને કોઇ પણ સંજોગોમાં પરત લાવવો જોઇએ. કોહિનૂર અને હોપ ડાયમંડને ભારતના શ્રેષ્ઠ હીરા માનવામાં આવે છે, જે એક સમયે ભારતમાં હતા, પરંતુ અત્યારે વિદેશની ધરતી પર છે. જોકે આ માત્ર આ જ હીરાઓ એવા નથી જે દરિયાપારના દેશોમાં જઇ પહોંચ્યા હોય. વિશ્વના કેટલાક સૌથી મોટા હીરાઓને ક્રિષ્ના અને તુંગભદ્રનાં સંગમસ્થળની આસપાસથી ૩૦૦ કિલોમીટરની ઊંડાઈએથી ખોદી કાઢવામાં આવ્યા હતા. આમાંના ૧૨ સૌથી જાણીતા હીરાઓ રશિયા, પોલેન્ડ, ઇરાન અને ઓસ્ટ્રેલિયા જેવા વિવિધ દેશોમાં પહોંચી ગયા છે. અહીં આ મૂલ્યવાન હીરાઓ અને હાલ તે ક્યા દેશમાં છે તેની ઝલક રજૂ કરી છે.
• કોહિનૂરઃ ૧૦૮.૯૩ કેરેટ, બ્રિટિશ ક્રાઉન, લંડન
• રિજન્ટઃ ૧૪૦.૫ કેરેટ લોયવૂરે, પેરિસ
• ડ્રેસ્ટન ગ્રીનઃ ૪૦.૭ કેરેટ ગ્રીન વોલ્ટ્સ ઓફ ડ્રેસ્ટન પોલેન્ડ
• ફ્લોરેન્ટિનઃ ૧૩૭.૨૯ કેરેટ, ટ્રેઝરી ઓફ ઇમ્પિરિયલ પેલેસ, વિયેના
• હોપઃ ૪૫ કેરેટ, સ્મિથ સોનિયન ઇન્સ્ટિ. વોશિંગ્ટન
• દરિયા-એ-નૂરઃ ૧૮૫ કેરેટ
• તાજ-એ-મહેલઃ૧૧૫.૦૬ કેરેટ
• ગ્રેટ ટેબલઃ૨૫૦ કેરેટ, ઇરાનના તાજમાં, તેહરાન
• નિઝામઃ ૪૪૦ કેરેટ, હૈદરાબાના નિઝામના શાહી ખજાનામાં
• અકબર શાહઃ ૭૧ કેરેટ, વડોદરાના ગાયકવાડ ફેમિલી પાસે
• ગોલકોન્ડાઃ૯૫ કેરેટ, ડુડલિંગ જ્વેલર્સ, મેલબોર્ન
કોહિનૂર ક્યાંથી આવ્યો? રહસ્યના વમળ
ભારતમાં છેલ્લા કેટલાય વર્ષોથી કોહિનૂર બાબતે વિવાદ ચાલી રહ્યો છે. ભારત સિવાય પાકિસ્તાન પણ પોતાના દાવો આગળ કરે છે. જોકે તેની સાથે ઘણી વાસ્તવિકતા એવી છે જેના વિશે આપણે જાણતા નથી. પ્રખ્યાત ઇતિહાસવિદ્ વિલિયમ ડેલરિમ્પલે પોતાના આગામી પુસ્તક ‘કોહિનૂર’માં આ હીરા વિશે અમુક અજાણી વાતો પણ જણાવી છે. કોહિનૂર વિશે બ્રિટિશર્સ કહે છે કે તેમને રણજિત સિંહના પુત્ર દુલીપ સિંહ પાસેથી આ હીરો ભેટમાં મળ્યો હતો. આ જ રીતે રણજિત સિંહનો દાવો છે કે તેમને અફઘાનિસ્તાનના આમીર શાહ શુઝા દુર્રાની પાસેથી ભેટમાં મળ્યો હતો. જ્યારે શાહ શુઝા દુર્રાની આત્મકથામાં રખે છે કે, રણજિત સિંહ તેમના દીકરાને ટોર્ચર કરી રહ્યા હતા તો તેમણે મજબૂરીમાં હીરો તેમને સોંપી દીધો હતો. આ પહેલા આ કોહિનૂરને અફઘાની હુમલાખોર અહમદશાહ અબ્દાલીએ પર્શિયન રાજા નાદિર શાહ પાસેથી જબરજસ્તીપૂર્વક પડાવી લીધો હતો.