નવી દિલ્હીઃ પાટનગરના સુપ્રસિદ્ધ નેશનલ મ્યુઝિયમમાં હૈદરાબાદના નિઝામના મૂલ્યવાન હીરા-ઝવેરાતનું પ્રદર્શન શરૂ થયું છે. નિઝામના ખજાનાની કેટલીક જ્વેલરી તો ૧૧ વર્ષના લાંબા અરસા પછી બાદ નેશનલ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવી છે. સૌથી મહત્ત્વની વાત એ કે પ્રદર્શનમાં રજૂ થયેલી કુલ ૧૭૩ આઇટેમમાં પ્રખ્યાત જેકબ ડાયમંડનો પણ સમાવેશ થાય છે. વિક્ટોરિયા ડાયમંડના નામે પણ જાણીતા ૧૮૫ કેરેટના આ હીરાનું કદ કોહીનુર હીરા કરતાં પણ બમણું છે, જેની બજારકિંમત આશરે ૨૧૮ કરોડ રૂપિયા હોવાનું નિષ્ણાતોનું માનવું છે.
પ્રદર્શનમાં રજૂ થયેલા ઉત્કૃષ્ટ નમૂનામાં ૧૮મી સદીથી લઈ ૨૦મી સદીની શરૂઆતના દાગીના સામેલ છે. જેમાં પોકેટ ઘડિયાળ, બટન, કફલિંક, ચુડીઓ, વીંટી, બ્રેસલેટ, હાર, કમરપટ્ટા, બકલ વગેરેનો સમાવેશ થાય છે. આ આભૂષણોનું પહેલું પ્રદર્શન ૨૦૦૧માં જ્યારે બીજું પ્રદર્શન ૨૦૦૭માં યોજાયું હતું.
પ્રદર્શનમાં ગોલકોંડાની ખાણના હીરા અને કોલંબિયન જ્વેલરી અને હીરા આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે તો સાથે સાથે બર્મીઝ રૂબી અને ઈરાકના શહેર બસરા તેમજ દક્ષિણ ભારતના પૂર્વ પટ્ટાના વિસ્તાર મન્નારની ખાડીમાંથી મળેલા મોતી પણ જોવા મળે છે. પ્રદર્શનમાં નીલમણીના ૨૨ નંગ પણ લોકો નિહાળી શકે છે. મોગલ બાદશાહ ઔરંગઝેબ દ્વારા દક્ષિણ ડેક્કનને પણ પોતાના રાજ્યમાં સમાવેશ કરાતાં હૈદરાબાદના ખજાનામાં અનેક આઈટમો ઉમેરાઈ હતી.
૧૭મી સદીના અંત ભાગમાં કે ૧૮મી સદીના પ્રારંભમાં ચેન, નેકલેસ (હાર) વગેરેને આદિલ શાહી જ્વેલરી પ્રકારના ગણવામાં આવતા હતા. હૈદરાબાદના નિઝામ ઉપરાંત દક્ષિણ ભારતના મૈસુરના એક અન્ય શાસક અને સ્વતંત્રતા સેનાની ટીપુ સુલ્તાનના કેટલાક દાગીના પણ અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે.