લખનઉઃ ઉત્તર પ્રદેશ અત્યારે ભલે પાછોતરા વરસાદના કારણે પાણીથી લબાલબ હોય, પણ આ ફોટો કાળઝાળ ગરમીના દિવસોનો છે. ખરેખર તો આ ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા બાબાજીના વીડિયોમાંથી લેવાયો છે. વાઇરલ વીડિયોમાં એક ભગવાધારી બાબા ખાસ પ્રકારનું હેલ્મેટ પહેરેલ જોવા મળે છે, જેને દેશી જુગાડુ ટેક્નિકથી તૈયાર કરવામાં આવી છે. આ હેલ્મેટમાં સોલર પ્લેટની સાથે એક પોર્ટેબલ ફેન ફીટ કરાયો છે. આમ આ હેલ્મેટ પહેરીને તડકામાં જનાર પણ ગરમીથી પોતાના ચહેરાને બચાવી શકશે. આ સ્પેશ્યલ હેલ્મેટના આગળના હિસ્સામાં એક પંખો લગાવવામાં આવ્યો છે અને પાછળ સોલર પ્લેટ ફીટ કરવામાં છે, જેનાથી ઊર્જા ઉત્પન્ન થાય છે અને પંખો સડસડાટ ચાલે છે. છાંયડામાં જતાં પંખો બંધ થઈ જાય છે. તડકો જેટલો વધારે હશે તેટલો પંખો ચાલશે. બાબાના આ જુગાડને લોકોએ ખૂબ પસંદ કર્યો છે.