મૈસૂરઃ એક વ્યક્તિએ પોતાનું ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા માટે બેંકને પાંચ પૈસાનો ચેક આપ્યો છે અને બેંકને તેના પ્રોસેસિંગ પર આશરે ૨૩ રૂપિયા ખર્ચ કરવા પડ્યા છે. આ રસપ્રદ કિસ્સો મૈસુરનો છે.
એસ. સતીષ પાંચ વર્ષથી સ્ટેટ બેન્ક ઓફ ઇંડિયા (એસબીઆઇ)ના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હતા. તાજેતરમાં તેમણે ક્રેડિટકાર્ડ બંધ કરવાનો નિર્ણય લીધો. તેમણે કસ્ટમર કેરને ફોન કર્યો તો જવાબ મળ્યો કે કાર્ડ બંધ કરાવતા પહેલાં જૂનું લેણું ક્લિયર કરવું પડશે. સતીષ સ્તબ્ધ થઇ ગયા. તેમની નોંધ મુજબ તેઓ નિયમિત રીતે પેમેન્ટ કરતા રહ્યા છે, તો પછી કેવી રીતે ભૂલ થઇ શકે છે? તેમણે વિચાર્યું કે કોઇ સર્વિસ ચાર્જ આપવાનો હશે. તપાસ માટે તેઓ બેંક પહોંચ્યા તો તેમને કહેવામાં આવ્યું કે આઉટસ્ટેન્ડિંગ એમાઉન્ટ પાંચ પૈસા છે.
કૃષિ વ્યવસાય સાથે સંકળાયેલા સતીષને લાગ્યું કે બેંક અધિકારીઓ મજાક કરે છે, પરંતુ બેંકની સિસ્ટમે બેલેન્સ એમાઉન્ટ ક્લિયરિંગ કર્યા વગર કાર્ડ બંધ ન કર્યું ત્યારે તેમને ગંભીરતા સમજાઇ. આથી સતીષે ૧૦ રૂપિયા જમા કરવાનું વિચાર્યું, પરંતુ તેમને લાગ્યું કે બેંક તો ભવિષ્યમાં પણ રિકવરી કાઢી શકે છે. નાણાં તો ચેકથી જ ભરવા જોઇએ. આથી તેમણે પાંચ પૈસાનો ચેક બનાવ્યો અને વિજયનગર સ્થિત બેંકની બ્રાંચમાં પહોંચી ગયા. કાઉન્ટર પર પહોંચ્યા તો બ્રાંચમાં ઉપસ્થિત સ્ટાફના સભ્ય પણ હસવું ન રોકી શક્યા.
બેંકે ચેક લીધો અને કાર્ડ બંધ થઇ ગયું. તેના પર પ્રોસેસિંગ ફી ૩ રૂપિયા લાગી, જે બાકી રકમથી વધુ હતી. બેંક કર્મચારીઓ કહે છે કે 'કસ્ટમર એટીએમ સ્વાઇપ કરીને કે ઇન્ટરનલ મની ટ્રાન્સફરથી રકમ આપી શકતા હતા, પરંતુ કસ્ટમર બેલેન્સ અંગે ગંભીર છે. સમસ્યા એવી પણ હતી કે બેંક કોઇ પણ સ્વરૂપમાં પેમેન્ટ અસ્વીકાર કરી શકે નહીં. કસ્ટમર પાસે નોન-સીટીએસ ચેક હતો, તેનાથી પેમેન્ટ કરવામાં આવ્યું.
બેંકિંગ એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ એક ચેકના ક્લિયરિંગ (પ્રોસેસિંગ) પાછળ આશરે ૨૩ રૂપિયાનું કોસ્ટિંગ આવે છે. જ્યારે એટીએમના એક ટ્રાન્ઝેક્શન પર આશરે પાંચ રૂપિયાનો ખર્ચ થાય છે. મામલામાં બાકી માત્ર પાંચ પૈસા માટે બેંકના આશરે ૨૩ રૂપિયા અને કસ્ટમરના ત્રણ રૂપિયા ખર્ચ થઇ ગયા. સાથે કસ્ટમર અને ઓફિશિયલ્સને પરેશાન પણ થવું પડ્યું તે અલગ.