ગુવાહાટીઃ આસામ અને બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્રા નદીના નીચાણવાળા પ્રદેશમાં દર વર્ષે ચોમાસા દરમિયાન પૂરના કારણે લાખો લાકો વિસ્થાપિત થાય છે અને પાણીજન્ય રોગચાળો ફેલાવાનો ખતરો મંડરાવા લાગે છે. આ વિકટ સંજોગો ટાળવા માટે આરોગ્ય સેવા પહોંચાડનારી બોટો જીવનદાયિની સાબિત થઇ છે.
આસામના 15 જિલ્લામાં બોટ ક્લિનિક પ્રોજેક્ટ હાથ ધરાયો છે. જેના ભાગરૂપે તાજેતરમાં દરાંજ જિલ્લામાં તેની શરૂઆત કરાઇ છે. બોટ ક્લિનિકથી અત્યાર સુધી 40 લાખ લોકોને આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. પ્રોજેક્ટ શરૂ થયા બાદ મૃત્યુદર ઘણો ઘટ્યો છે.
સેન્ટર ફોર નોર્થ ઈસ્ટ સ્ટડીઝના સંસ્થાપક સંજય હજારિકા અને જાનુ બરુઆ 2004-05માં બહ્મપુત્રા નદી પર ડોક્યુમેન્ટ્રી બનાવી રહ્યાં હતાં. આ દરમિયાન તેમણે જોયું કે એક મહિલા પ્રસૂતિ માટે હોસ્પિટલ ન પહોંચી શકવાને કારણે મૃત્યુ પામી હતી. આ પછી હજારિકાને બોટ ક્લિનિકનો આઇડિયા આવ્યો હતો. યુનિસેફ અને નેશનલ રુરલ હેલ્થ મિશને આ પ્રોજેક્ટમાં સહયોગ આપ્યો છે. હવે બોટ ક્લિનિક 15 જિલ્લામાં સેવા આપી રહી છે.
2 ડોક્ટર અને 13 સ્ટાફ
દરેક બોટ ક્લિનિકમાં 15 સભ્ય હોય છે. જેમાં બે ડોક્ટર, બે નર્સ, એક ફાર્મસિસ્ટ, એક લેબ ટેક્નિશિયન, એક કોમ્યુનિટી વર્કર અને ચાર બોટ કર્મચારી હોય છે. ટીમ મુખ્યત્વે સગર્ભા અને બાળકોને સેવા આપે છે. ક્લિનિકમાં બેઝિક ઓપરેશન થિયેટર પણ હોય છે. ટીમ જરૂર પડ્યે મહિલાઓને પ્રસૂતિ માટે હોસ્પિટલ પહોંચાડે છે.