ખોવાયું છે રેલવે એન્જિન!

Friday 22nd July 2016 07:42 EDT
 
 

નવી દિલ્હીઃ રેલવેમાં માલસામાનની ચોરીના બનાવો તો સાંભળવા મળે, પણ ટનબંધ વજન ધરાવતું રેલવે એન્જિન ચોરાઈ જાય તો શું કરવું? દિલ્હીમાં આવેલા તુઘલખાબાદ રેલવે શેડમાંથી કોઈ આખું જ એન્જિન ઊઠાવી ગયું છે. વળી આ ચોરી એક મહિનાથી થઈ છે, છતાં રેલવે તંત્ર હજુ સુધી એન્જિન શોધી શક્યું નથી. ૧૫મી જૂને ૧૨૦ ટનનું ઈલેક્ટ્રીક લોકોમોટિવ એન્જિન અહીં રિપેરીંગ માટે આવ્યું હતું. એ પછીથી તેનો પત્તો નથી.

રેલવે તંત્ર એવો જવાબ આપી રહ્યું છે કે અહીંથી જ ક્યાંક રિપેરિંગ માટે ગયું હશે, પણ હકીકત એ છે કે ૧૨૦ ટનનું આખું રેલવે એન્જિન ગાયબ થઈ ગયું ત્યાં સુધી તંત્રને ખબર નથી પડી કે એ ગયું ક્યાં? હવે રેલવેએ એન્જિન શોધી કાઢવા માટે ૬૦,૦૦૦ કર્મચારીઓને કામે લગાડી દીધા છે. ખાસ કરીને ડ્રાઈવરો એન્જિન શોધી રહ્યા છે. રિપેરિંગ માટે ગયેલું એન્જિન સમયસર પરત ન ફરતાં તેની તપાસ કરવામાં આવી હતી એ વખતે એન્જિન ગાયબ હતું.

એ પછી એન્જિન ગાયબ થયાની ફરિયાદ રેલવે બોર્ડ પાસે પહોંચી હતી. માટે બોર્ડના આદેશથી દેશભરના રેલવે ઝોનના કર્મચારીઓ ૨૩૮૮૪ નંબરનું આ રેલવે એન્જિન શોધી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter