નવી દિલ્હીઃ દુનિયાનું સૌથી લાંબું પેસેન્જર રિવર ક્રૂઝ ‘ગંગા વિલાસ’ને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તરતું મૂક્યું છે. ફાઇવ સ્ટાર હોટેલ જેવા આ ક્રૂઝનું માર્ચ-2024 સુધીનું બુકીંગ ફૂલ છે. એપ્રિલ-2024થી પ્રવાસીઓ એનું બુકિંગ કરાવી શકશે. આ ક્રૂઝ 51 દિવસના પ્રવાસમાં 50 પર્યટન સ્થળોની મુલાકાતનો સમાવેશ થાય છે. 3200 કિમીના પ્રવાસ દરમિયાન આ ક્રૂઝ ભારતના પાંચ રાજ્યો અને બાંગલાદેશને આવરી લેશે. 62 મીટર લાંબું અને 12 મીટર પહોળું આ પેસેન્જર ક્રૂઝનું નિર્માણ ભારતમાં જ થયું છે, જેમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરા કેન્દ્રસ્થાને છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના સૌથી વિશાળ ક્રૂઝને તરતું મૂકતા કહ્યું હતું: વિકસિત ભારતના નિર્માણ માટે બહેતર કનેક્ટિવિટી જરૂરી છે. ભારત હવે ઝડપભેર બદલાઈ રહ્યું છે. ભારત દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે અને ભારત બધા જ ધર્મોને સમાન આદર આપતું હોવાથી વિદેશી પ્રવાસીઓને પ્રિય થઈ પડયું છે. સ્વિટ્ઝર્લેન્ડના 32 પ્રવાસીઓએ ક્રૂઝની પ્રથમ મુસાફરી માટે બુકિંગ કર્યું છે.
પ્રવાસીઓને સંબોધતા મોદીએ કહ્યું હતું કે આજે ભારત પાસે બધું જ છે, તમારી કલ્પના કરતાં વધારે અનુભવોનું ભાથું બાંધી શકશો. વડા પ્રધાને કહ્યું હતું કે ભારતમાં જળમાર્ગે પ્રવાસ ઓછો થઈ રહ્યો છે. વિશાળ દરિયાકાંઠો અને મોટી નદીઓ હોવા છતાં જળ માર્ગે પ્રવાસ ઓછો થતો હોવાથી એ દિશાના વિકાસકાર્યો શરૂ થયા છે. 2014 પહેલાં દેશમાં માત્ર પાંચ જળમાર્ગો હતા, જે હવે વધીને આજે 111 થઈ ગયા છે અને એમાંથી બે ડઝન તો કાર્યરત પણ થઈ ચૂક્યા છે. પશ્વિમ બંગાળ, આસામ, ઉત્તર પ્રદેશ અને બિહાર માટે મોદીએ 1000 વોટર-વે પ્રોજેક્ટની જાહેરાત કરી હતી.
ક્રૂઝની કેટલીક ખાસિયતો
આ ક્રૂઝમાં સફર કરનાર પ્રવાસીઓને ફાઇવ સ્ટાર હોટેલ જેવી સુવિધાઓ મળશે. ક્રૂઝની લંબાઇ 62 મીટર, પહોળાઇ 12 મીટર અને ઊંચાઇ 9 મીટર છે. ગંગા વિલાસ ક્રૂઝ ભારતમાં બનેલું પ્રથમ રિવર ક્રૂઝ છે. વિશ્વના સૌથી મોટા ક્રૂઝમાં ફર્નિચરથી લઇને દરેકે-દરેક ચીજ હાથથી બનાવેલી છે. આ ક્રૂઝ બે માળનું છે. ક્રૂઝમાં 18 સ્યુટ્સ છે. ઓપન સ્પેસ બાલ્કની, જિમ સ્ટડી રૂમ, લાયબ્રેરી પણ છે. મનોરંજન માટે ગીત-સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થશે. સાથે જ સ્પા, સલૂન અને મેડિકલ સુવિધા પણ હશે.
કાશીથી દિબ્રુગઢ - કુલ 3200 કિમીનો પ્રવાસ
આ જાજરમાન ક્રૂઝ બનારસ એટલે કે ઉત્તર પ્રદેશના કાશીથી ગંગા નદીના માર્ગે બાંગ્લાદેશના ઢાકાથી પસાર થઇને અસમના દિબ્રુગઢ સુધી પહોંચશે. 3200 કિલોમીટરની આ લાંબી યાત્રા 51 દિવસમાં પૂર્ણ કરશે. ગંગા નદી સેંકડો વર્ષોથી ભારતીયોનું કલ્યાણ કરે છે. ભારતીયોના જીવનમાં ગંગા મૈયાનું ધાર્મિક મહત્ત્વ તો છે જ, પરંતુ જીવનશૈલીમાં પણ એનું મૂલ્ય છે. આમ વધુ એક વખત ગંગા મૈયા ભારતીયો માટે જીવાદોરી સાબિત થશે. ક્રૂઝના પ્રવાસ દરમિયાન વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ, નેશનલ પાર્ક્સ, નદીના ઘાટ અને મહત્ત્વના શહેરોને આવરી લેવાશે. રૂટમાં યુનેસ્કો પ્રમાણિત વિશ્વ ધરોહર સુંદરવન, કાઝીરંગા નેશનલ પાર્ક, વિશ્વના સૌથી મોટા રિવર આઇલેન્ડના નઝારા સહિત 50 જોવાલાયક સ્થળો જોઇ શકાશે. આ ક્રૂઝ ભારતના ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્વિમ બંગાળ અને અસમની સાથે બાંગ્લાદેશથી પસાર થશે. આ દરમિયાન ગંગા, ભાગીરથી, યમુના, વિદ્યાવતી અને બ્રહ્માપુત્ર જેવી મોટી નદીઓ સહિત 27 નદીમાંથી પસાર થશે.
રૂ. 12.59 લાખ છતાં માર્ચ 2024 સુધી બુકિંગ ફૂલ
રિવર ક્રુઝમાં પાંચ રાજ્યો અને બાંગ્લાદેશની 51 દિવસની સફર માટે વ્યક્તિદીઠ રૂ. 12.59 લાખનો ખર્ચ થશે. આટલું જંગી ભાડું હોવા છતાં માર્ચ 2024 સુધી ફૂલ બુકિંગ થઇ ગયું છે. ક્રુઝની સફર માટે બુકિંગ કરાવનાર મોટા ભાગના અમેરિકા, યુરોપના ટુરિસ્ટ છે. હવે એપ્રિલ 2024થી ટુર્સ માટેનું બુકિંગ ઉપલબ્ધ છે. ત્રણ ડેક અને 18 સ્યુટ્સ સાથેના આ ક્રુઝની ક્ષમતા 36 ટુરિસ્ટની છે. પ્રવાસીઓને યાત્રા દરમિયાન દેશની વિવિધ વાનગીઓ પીરસવામાં આવશે અને સાંસ્કૃતિક તેમ જ ઐતિહાસિક બાબતોનો પરિચય કરાવાશે.