દહેરાદૂનઃ ઉત્તરાખંડ હાઈ કોર્ટે સોમવારે એક અરજીની સુનાવણી દરમિયાન કહ્યું કે ગંગા દેશની પહેલી જીવંત નદી છે અને તેને એ જ અધિકારો મળવા જોઈએ જે એક જીવંત વ્યક્તિને મળે છે. હાઈ કોર્ટનાં આ નિર્ણયનો મતલબ છે કે હવે પછી જો કોઈ ગંગા નદીને પ્રદૂષિત કરશે તો તેની સામે એવી રીતે જ કાર્યવાહી કરવામાં આવશે જે રીતે એક વ્યક્તિને નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવે છે.
સોમવારે હાઇ કોર્ટે ગંગા નદીને લિવિંગ એન્ટિટી એટલે કે જીવંત એકમ જાહેર કરી છે. કોર્ટે કહ્યું હતું કે ગંગાને ધર્મગ્રંથોમાં સૌથી પવિત્ર નદીનો દરજ્જો અપાયો છે. તેથી આપણે તેને જીવંત એકમ તરીકે જોઈએ છીએ. કોર્ટે કહ્યું, લિવિંગ એન્ટિટીનો મતલબ છે કે ગંગાને હવે તે અધિકારો મળશે જે એક વ્યક્તિને દેશનો કાયદો અને સંવિધાન આપે છે. સામાન્ય ભાષામાં કહીએ તો જો કોઈ વ્યક્તિ ગંગા નદીને પ્રદૂષિત કરશે તો તેની સામે એવી રીતે જ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે, જેવી રીતે એક વ્યક્તિને નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવે છે. હાઈ કોર્ટે કહ્યું હતું ગંગાને આવનારી પેઢી માટે બચાવવી જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે ન્યૂ ઝિલેન્ડની સાંસદે પણ દેશની હૈગનુઈ નદીને બચાવવા માટે તેને લિવિંગ એન્ટિટીનો દરજ્જો આપ્યો છે. આ નદી ૧૪૫ કિલોમીટર લાંબી છે. હેંગનુઈ નદી લિવિંગ એન્ટિટીનો દરજ્જો મેળવનાર વિશ્વની પ્રથમ નદી છે. એ પણ ઉલ્લેખનીય છે કે નેશનલ મિશન ફોર ક્લિન ગંગાએ હાલમાં જ ૨૦ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ માટે ૧,૯૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
ગંગા એડમિનિસ્ટ્રેશન બોર્ડ રચો
હાઈ કોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે તે ગંગાની સફાઈ અને જાળવણી માટે ગંગા એડમિનિસ્ટ્રેશન બોર્ડની રચના કરે. આ મહિનાની શરૂઆતમાં હાઇ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને ફટકાર લગાવતા કહ્યું હતું કે આ મુદ્દે કોઈ નક્કર કામગીરી તેમણે હજી સુધી કરી નથી. હાઇ કોર્ટે કહ્યું હતું કે સરકારે લુપ્ત થઇ ગયેલી સરસ્વતી નદીને શોધવા માટે બહુ પ્રયાસો કર્યા છે, પણ ગંગા માટે કંઈ નથી કર્યું. કોર્ટે જણાવ્યું હતું કે જો ગંગા તરફ જો યોગ્ય ધ્યાન અપાયું હોત તો આ નદી ફરી વાર પોતાની ખોવાયેલી ધારા અને ગૌરવને હાંસલ કરી શકી હોત.