જોધપુરઃ રાજસ્થાનનું જોધપુર શહેર પ્રવાસન સ્થળ તરીકે દુનિયાભરમાં જાણીતું છે, પરંતુ આ જિલ્લાનો શેરગઢ તાલુકો અનોખા કારણસર જગવિખ્યાત થયો છે. શેરગઢ સહિતના આસપાસના કેટલાંક ગામોમાં એકેય ઘરમાં ઘોડો નથી, પણ અહીંના યુવકો વિદેશોમાં ઘોડેસવારીમાં ડંકો વગાડી રહ્યા છે. ઓછું ભણેલા આ યુવકો પહેલાં દેશના હોર્સ રેસકોર્સમાં ઘોડાની સારસંભાળ રાખતાં રાખતાં ઘોડેસવારી શીખે છે. અને તે પછી વિઝા મેળવીને વિદેશ પહોંચી જાય છે.
સ્થાનિક લોકો કહે છે તેમ અહીંના અંદાજે ૩ હજારથી વધુ યુવકો વિદેશોમાં જોકી બની ચૂક્યા છે. વિદેશોમાં તેઓ માસિક પાંચ લાખ રૂપિયા સુધી સેલરી પણ મેળવી રહ્યા છે. શેરગઢને લગોલગ ઘડા અને દેવાતુ જેવાં ઘણાં ગામ એવાં છે કે જ્યાંના ટીનેજર્સ બસ પુખ્ત વયના થવાની રાહ જોતા હોય છે અને ઉંમર થતાં જ પરિવારના જે સભ્યો વિદેશોમાં ઘોડેસવાર તરીકે કાર્યરત હોય છે તેઓ તેમને વિદેશ આવવા સતત ફોન કરવા લાગે છે.
આ ગામના યુવકો ૧૯ વર્ષના થતાં પહેલાં જ જોકી બનવાનું નક્કી કરી લે છે. યુવકો ૨૦ વર્ષ પૂરાં કરે તે પહેલાં જ વિદેશ પહોંચી જાય છે. ઘણા યુવકો તો દસમું ધોરણ પાસ પણ નથી હોતા, પરંતુ ઘોડેસવારી શીખીને વિદેશોમાં પ્લેસમેન્ટ મેળવી લે છે. આ પછી વિઝા લઇને ત્યાં જ જોબમાં લાગી જાય છે. શરૂમાં જોકીને માસિક દોઢ લાખથી ૨ લાખ રૂપિયા સેલરી મળે છે પણ ધીમે-ધીમે વધે છે. ઘણા યુવકો વિદેશોમાં વર્ષો સુધી જોકીનું કામ કરે છે.
પ્રારંભિક અરસામાં ઘડા ગામથી ઘોડેસવારી સાથે જોડાયેલા કાલુ સિંહ કહે છે કે ઘોડેસવારી કરવા શેરગઢ આસપાસથી વિદેશ જતા યુવકોની સંખ્યા સતત વધી રહી છે. મારા ગામના પણ અંદાજે ૫૦૦થી વધુ યુવકો વિદેશમાં રહે છે.
કાલુ સિંહ ૧૯૮૪થી ૧૯૯૭ સુધી દુબઇ રહ્યા અને ત્યાં ઘોડેસવારી કરી. તેમણે માસિક ૨૦ હજાર રૂપિયાના પગારે કામ શરૂ કર્યું હતું. તેઓ ૧૯૯૭માં પાછા ફર્યા ત્યારે તેમને માસિક ૫૦ હજાર રૂપિયા પગાર મળતો હતો, પણ હવે ડિમાન્ડ પણ વધી છે અને સાથે સાથે સેલરી પણ. અહીંથી જતા કેટલાક ઘોડેસવારો તો માસિક પાંચેક લાખ રૂપિયા સુધી કમાઇ લે છે.
દેશ-વિદેશમાં નોકરી
શેરગઢના યુવકો હૈદરાબાદ, બેંગલુરુ, પૂણે, કોલકતા અને દિલ્હી સહિત ઘણાં મોટાં શહેરોના રેસકોર્સમાં નાની નોકરી કરીને કામ શીખે છે. આ પછી જાપાન, અખાતના દેશો, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને મલેશિયા જઇને જોકી બની જાય છે. કામ શીખ્યા બાદ જાપાન જતા યુવકો જાપાનીઝ ભાષા પણ શીખે છે. ઘણા યુવાનો જાપાનમાં જઇને પણ જોકી તરીકે અથવા તો હોર્સ રાઇડીંગ ટ્રેનર તરીકે કામે લાગ્યા છે કેમ કે આ દેશમાં શૈક્ષણિક લાયકાત કરતાં આવડતને વધુ પ્રાધાન્ય અપાય છે.