નવી દિલ્હીઃ મોટા ભાગે લોકો ગુગલ મેપના સહારે પોતાના નિર્ધારિત સ્થાને પહોંચી જાય છે, પરંતુ ક્યારેક ગુગલ મેપમાં લોચો પડી જાય તો તે નદીમાં પણ ધકેલી શકે છે. કેરળના કોટ્ટાયમ જિલ્લાના કુરુપ્પચરામાં આવી ઘટના બની છે. હૈદરાબાદથી ચાર પ્રવાસીઓ એક એસયુવી કારમાં અલાપ્પુઝા જવા નીકળ્યા હતા. માર્ગ ખબર ન હોવાથી ગુગલ મેપના સહારે આગળ વધતા હતા. ગુગલ મેપના ભરોસે આગળ વધતી આ કાર નદીમાં ખાબકી હતી. કાર નદીમાં ડુબી ગઈ હતી, જોકે સ્થાનિક લોકો તેમજ પોલીસે સમયસર આવીને આ પ્રવાસીઓને બચાવી લીધા હતાં.
સદનસીબે આ પ્રવાસીઓને ખાસ કોઈ ઈજા ઈજા થઈ નથી. સુત્રોએ જણાવ્યું હતું કે જેવી કાર નદીના પ્રવાહમાં ફસાઈ ગઈ હોવાની સુચના મળતા નજીકમાં ફરજ બજાવતી પોલીસ તેમજ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી ગયા હતાં અને તેઓએ પાણીના પ્રવાહ વચ્ચે પ્રવાસીઓને કાર માંથી સલામત બહાર કાઢયાં હતાં.