આલ્બર્ટાઃ કેનેડિયન મહિલાની એન્ગેજમેન્ટ રીંગ ૧૩ વર્ષ અગાઉ ખેતરમાં કામ કરતા ખોવાઈ ગઈ હતી, જે તેની પુત્રવધૂએ શોધી કાઢી છે. આ વીંટી જે રીતે મળી તે જાણીને કોઈપણ અચંબામાં મૂકાઈ જાય તેમ છે. ગુમ વીંટી ખેતરમાં જ પડી ગઇ હતી અને સમય જતાં ખેતરમાં ગાજર ઉગાડાયા હતા. પુત્રવધૂએ ખેતરમાં કામ કરતી વેળા ગાજર જમીનમાંથી બહાર કાઢીને જોયું તો તેની ફરતે એક વીંટી હતી. ગાજર તેની વચ્ચેથી નીકળીને ઉગ્યું હતું. આ વીંટી ૮૪ વર્ષીય મહિલા મેરી ગ્રેમ્સની છે. તેને આ રીતે વીંટી મળી એ હજુ પણ માન્યામાં આવતું નથી. મેરીના પતિ નોર્મનનું પાંચ વર્ષ અગાઉ નિધન થઈ ગયું છે. મેરી કહે છે કે તેને હજુ એ સમજાતું નથી કે ગાજર વીંટીની અંદર પસાર થઈને કેવી રીતે ઉગ્યું હશે. પુત્રવધૂ કોલીન ખેતરમાંથી ગાજર કાઢી રહી હતી ત્યારે અચાનક તેની સાથે વીંટી મળી આવી હતી.