નવી દિલ્હીઃ વર્ષ 2021નો ગાંધી પુરસ્કાર ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાનું અદભુત મિશ્રણ ધરાવતાં ગીતા પ્રેસ - ગોરખપુરને આપવામાં આવશે. ગાંધી પુરસ્કાર મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત આદર્શોને શ્રદ્ધાંજલિના રૂપમાં 1995માં ભારત સરકાર દ્વારા સ્થાપિત વાર્ષિક પુરસ્કાર છે.
સરકારની જાહેરાત સાથે વિવાદનો વંટોળ ઉઠ્યો છે. કોંગ્રેસે ગીતા પ્રેસને ગાંધી પુરસ્કાર આપવાના નિર્ણયની આકરી ટીકા કરી છે. તો ભાજપે કહ્યું છે કે ગીતા પ્રેસ સનાતન ધર્મનો પ્રચાર કરે છે એટલા માટે કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ યોગ્ય નથી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા ધરાવતી જ્યુરીએ સર્વસહમતીથી ગીતા પ્રેસ - ગોરખપુરને ગાંધી શાંતિ પુરસ્કાર આપવાનો નિર્ણય કર્યો છે. આ પુરસ્કારમાં એક કરોડ રૂપિયા, એક પ્રશસ્તિ પત્ર, એક ખેસ તથા એક ઉત્કૃષ્ટ પારંપારિક હસ્તકલાના પ્રતીકનો સમાવેશ થાય છે.
વડા પ્રધાને શાંતિ અને સામાજિક સદભાવના ગાંધીવાદી આદર્શોને વેગ આપવામાં ગીતા પ્રેસના યોગદાનને યાદ કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ગીતા પ્રેસના 100 વર્ષ પૂર્ણ થવા પર ગાંધી શાંતિ પુરસ્કારથી સમ્માનિત કરવાની બાબત માનવતાના સામૂહિક ઉત્થાનમાં ગીતા પ્રેસના મહત્ત્વપૂર્ણ અને અદ્વિતીય યોગદાનને માન્યતા આપે છે, જે વાસ્તવિક અર્થમાં ગાંધીવાદી જીવનનું પ્રતીક છે.
14 ભાષામાં 41.7 કરોડ પુસ્તક
વિશ્વના સૌથી મોટા પ્રકાશકોમાંનું એક ગીતા પ્રેસ 1923માં સ્થાપિત ગીતા પ્રેસ વિશ્વના સૌથી મોટા પ્રકાશનોમાંનું એક છે. આ પ્રેસમાં 14 ભાષામાં 41.7 કરોડ પુસ્તકો પ્રકાશિત થયા છે. જેમાં 16.21 કરોડ ભગવદ ગીતાનો સમાવેશ થાય છે. સંસ્થાએ નાણાભંડોળ માટે ક્યારેય પણ પોતાના પ્રકાશનોમાં જાહેર ખબરો પર ભરોસો કર્યો નથી.
રોકડ પુરસ્કાર નહીં લઈએ: ગીતાપ્રેસ
ગીતા પ્રેસ ટ્રસ્ટે ગાંધી શાંતિ પુરસ્કાર સાથે મળનારી રૂ. એક કરોડની રકમ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. ટ્રસ્ટીઓનું કહેવું છે કે, ગીતા પ્રેસ કોઈ પણ પ્રકારનું દાન સ્વીકારતું નથી તેથી ગીતા પ્રેસ ટ્રસ્ટ કોઈ અનુદાન કે પુરસ્કારની રકમનો સ્વીકાર કરતું નથી. ગીતા પ્રેસના વ્યવસ્થાપક ડો. લાલમણિ તિવારીએ જણાવ્યું હતું કે, ગીતા પ્રેસની સ્થાપના સમયે જ તેના સંસ્થાપક શેઠજી જયદયાળ ગોયંકાએ નક્કી કર્યું હતું કે, આ પ્રેસને સંચાલિત કરવા માટે કોઈ પણ પ્રકારનું દાન અથવા સહયોગનો સ્વીકાર કરવામાં નહીં આવે. તેને કારણે ગીતા પ્રેસ કોઈ અનુદાન અથવા પુરસ્કારનો સ્વીકાર કરતું નથી. તેમણે ઉમેર્યું હતું કે, ટ્રસ્ટ ગાંધી શાંતિ સન્માનની રકમનો સ્વીકાર નહીં કરે પણ સન્માનનો સહર્ષ સ્વીકાર જરૂર કરશે.