બર્લિન: કેટલાક પક્ષીઓ ઉડતી વખતે જ ઊંઘ લઈ લેતા હોવાના પુરાવા પ્રથમ વાર વિજ્ઞાનીઓને મળ્યા છે. જર્મનીની મેક્સ પ્લાન્ક ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓર્નિથોલોજીના સંશોધકોએ એક અભ્યાસ બાદ આ જાહેર કર્યું છે. સતત દિવસો કે અઠવાડિયા સુધી ઉડતા રહેતા હોય એવા ઘણા પક્ષીઓ છે. કેટલાક પક્ષીઓ તો પ્રવાસ દરમિયાન હજારો કિલોમીટરના સમુદ્રો કોઈ બ્રેક વગર પાર કરે છે. તો પછી એ પક્ષીઓ ઊંઘ ક્યારે લેતા હશે એ મોટો સવાલ હતો. હવે તેનો જવાબ મળ્યો છે.
વિજ્ઞાનીઓએ ફ્રિગેટ બર્ડ નામે ઓળખાતા કદાવર અને લાંબી સફર કરતા પક્ષીના ઉડ્ડયન દરમિયાન મગજમાં થતી હલચલનો અભ્યાસ કર્યો હતો. આ માટે તેના શરીરમાં ઉપકરણો ગોઠવી દેવાયા હતા. એ તપાસમાં ખબર પડી કે મગજના બે ભાગ પૈકી એક ભાગને પક્ષી જરૂર પડે ત્યારે બંધ કરી શકે છે, એટલે કે એ પાર્ટ સ્લિપિંગ મોડમાં જતો રહે છે. વધુ આરામની જરૂર હોય તો ઉડતાં ઉડતાં બન્ને ભાગ બંધ કરી પક્ષીઓ ઊંઘ ખેંચી કાઢે છે.
ઉડતી વખતે ઊંઘે તો પણ પક્ષીના ઉડ્ડયન કે બેલેન્સ પર તેની કોઈ અસર થતી નથી. ઉડતી વખતે સૂતાં હોય એવા પક્ષીઓ જમીન પર પડી જતા નથી કે નથી દુશ્મનોનો શિકાર બની જતાં. જોકે ઉડતી વખતે આ પક્ષીઓને એક કલાકથી વધારે ઊંઘની જરૂર હોતી નથી. સંશોધકોએ જે ફ્રિગેટ બર્ડ પર સંશોધન કર્યું એ ઉડતી વખતે સરેરાશ ૪૨ મિનિટની ઊંઘ લે છે. પરંતુ જમીન પર ઉતર્યા પછી એ પક્ષીઓ કલાકો સુધી ઊંઘ લઈને આરામની ઘટ સરભર કરી લે છે.