હુવર (અમેરિકા)ઃ અલાબામા સ્ટેટના હુવરમાં રહેતી નિયા મ્યા રીસ છે તો માત્ર ૮ વર્ષની પણ પેરન્ટિંગના તેના અનુભવના કારણે આજકાલ તે ચર્ચામાં છે. વાત એમ છે કે નિયાએ નટખટ નાના ભાઇની સારસંભાળ અને તેની સમસ્યાઓના ઉકેલ અંગે પુસ્તક લખ્યું છે, જે બેસ્ટ સેલર બની ગયું છે. નિયાએ તેના નાના ભાઇ રોનાલ્ડનું ધ્યાન રાખવું પડે છે. તેને ખવડાવવા-પીવડાવવાથી માંડીને તમામ જવાબદારી નિયા સંભાળતી રહી છે. તેથી તેને ઘણો અનુભવ થઇ ગયો. તે કામની યાદી માટે રોજબરોજ નાના નાના મુદ્દા ટપકાવતી હતી. અને આમાંથી 'હાઉ ટુ ડીલ વીથ કેર ફોર યોર એનોઇંગ લિટલ બ્રધર' પુસ્કરે આકાર લીધો.
દરેક નાની બાળકીઓની જેમ નિયા પણ મોટી બહેન બનીને ખુશ છે, પણ બધી ‘મોટી બહેનો’ જાણે છે તેમ નાના ભાઇની સારસંભાળ લેવી સરળ નથી. નિયા પણ આ તબક્કામાંથી પસાર થઇ છે. નિયા કહે છે કે ઘણી વાર તે બોલ ફેંકી દે છે, જે ગમે ત્યાં જતો રહે છે. હું વારંવાર શોધી આપું છું. ઘણી વાર તે મને બોલ મારી દે છે. કારણ વિના રડવા લાગે છે. તેને સમજાવી શકતો નથી અને આ નાના શેતાન સમજવા પણ નથી માગતા. ઘણી વાર મારે ના પાડવી પડે છે, પણ તે સાંભળવા તૈયાર નથી હોતો.
નાના ભાઇને સાચવતા સાચવતા નિયાના મગજમાં એટલી વાતો નોંધાઇ ગઇ કે બુક લખવામાં તેને થોડાક જ દિવસ લાગ્યા. તેની મહેનત એળે નથી ગઇ. તેની બુક એમેઝોનના બેસ્ટ સેલર લિસ્ટ (પેરન્ટિંગ એન્ડ રિલેશનશિપ)માં સામેલ થઇ ગઇ છે.
બુકની શરૂઆત પણ રસપ્રદ રીતે થઇ છે. ગયા વર્ષે નિયા ડિયર વેલી એલિમેન્ટરી સ્કૂલમાં પહેલા ધોરણમાં હતી ત્યારે તેના ટીચર બેથ હેન્કીન્સે એસાઇન્મેન્ટ આપ્યું. તે એસાઇન્મેન્ટમાં તેણે ચાઇલ્ડ કેરના તમામ અનુભવો લખી નાખ્યા. નિયાની માતા ચેરિનિટા જણાવે છે કે તેની ધગશ જોઇને મને લાગ્યું કે નિયાએ પ્રોજેક્ટ પર કામ ચાલુ રાખવું જોઇએ, જેથી લેખન વધુ સુધરી શકે.
માતા હંમેશા નિયાને કહેતી કે સેન્ટન્સ ફોર્મેશન, સ્પેલિંગ, શબ્દોના ઉપયોગ અંગે મન લગાવીને કામ કરશે તો સમર પ્રોજેક્ટ શાનદાર થઇ જશે, પણ પરિણામ સમર પ્રોજેક્ટથી ઘણું મોટું થઇ ગયું. ખાસ વાત છે કે નિયા બધું રમતા રમતા શીખી છે અને આ વાત તે પોતાની સ્કૂલના અન્ય બાળકો સાથે પણ શેર કરે છે.
આટલી નાની બાળકીને સમજદારીપૂર્ણ વાતો કરતી જોઇને સૌ દંગ રહી જાય છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું પાંચ વર્ષ સુધીના બધા નાના ભાઇ પરેશાન કરતા હોય છે? તો તેનો જવાબ હતો, બિલકુલ. પણ મારો ભાઇ થોડો ઓછો પરેશાન કરે છે...