ચંદીગઢઃ લગ્ન કરવાના ઇરાદે ઘરેથી ભાગી છૂટેલા પ્રેમી પંખીડાઓ માટે ચંદીગઢમાં લગ્નો માટેની અનોખી દુકાનો ફૂટી નીકળી છે. જ્યાં તમને લગ્નને લગતો તમામ સામાન જ નહીં, પંડિત, મેરેજ સર્ટિફિકેટ, ફોટોગ્રાફર અને હાઇ કોર્ટ સુધી લડી લેવા વકીલની સેવા પણ મળી રહે છે. આ પ્રેમી પંખીડાઓને મંદિર કે ગુરદ્વારામાં લગ્ન કરવાના હોય છે અને ઘણા કિસ્સામાં તો માતા-પિતાના વિરોધના કારણે મામલો હાઈ કોર્ટ સુધી પહોંચતો હોય છે. આવા સમયે લગ્નના પુરાવા બતાવીને પોતાના નારાજ સગાંઓ અને પરિવારોને મનાવવા માટે કે પ્રેમલગ્નના કારણે બે પરિવારો વચ્ચે તણાવ સર્જાયો હોય તો તે દૂર કરવા માટે આવા વકીલોના સલાહસૂચન - મધ્યસ્થી બહુ ઉપયોગી થઇ પડે છે. શહેરના પંચકુલા મંદિરમાં મનસા દેવી મંદિર જતા રોડ પર મોટી સંખ્યામાં આવી દુકાનો આવેલી છે. આ દુકાનો કપલને તમામ પ્રકારની સર્વિસ આપે છે કે જેથી તેઓ સાત જન્મ સુધી સાથે રહી શકે. આ લગ્નની દુકાનોમાં કોઈ ધર્મ કે જ્ઞાતિને બાધ નથી. ભાગીને આવેલા તમામ કપલને સબસિડીવાળી હોટેલ કે શેલ્ટર પણ પ્રદાન કરવામાં આવે છે, અને જ્યાં સુધી હાઈ કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી તેઓ અહીં રહી શકે છે. અહીં વર-વધૂ માટે કપડાં, મેકઅપ, વકીલની સુવિધા પણ અપાય છે. વેડીંગ પેકેજ ૫૧૦૦ રૂપિયાથી શરૂ થાય છે, જેમાં મેરેજ સર્ટિફિકેટ, એકમેકને પહેરાવવા માટેના હાર, સાત ફેરાની તસ્વીરો વગેરેનો સમાવેશ થાય છે. તો ૧૬ ૦૦૦ રૂપિયાના પેકેજ હોય છે આ બધા ઉપરાંત વકીલની ફી પણ આવી જાય છે. પંડીત પણ તૈયાર હોય છે. જે વિવિધ પુરાવાના આધારે લગ્ન કરાવીને પ્રમાણિત મેરેજ સર્ટિફિકેટ પણ અપાવી દે છે.