ન્યૂ યોર્કઃ અમેરિકામાં વસતા ભારતીય નવીન જૈનની કંપની મૂન એક્સપ્રેસે અંતરિક્ષને આંબતી સફળતા મેળવી છે. આ કંપનીને અમેરિકન સરકારે ચંદ્ર યાત્રા કરવાની તમામ પરવાનગીઓ આપી દીધી છે. કોઇ ખાનગી કંપનીને ચંદ્ર પર લેન્ડ થવાની રજા મળી હોય એવો આ પહેલો કિસ્સો છે.
આ મંજૂરી મળતાં જ કંપનીએ પણ અનોખી ‘ઓફર’ રજૂ કરી છે. કંપની માનવ અસ્થિઓ ચંદ્ર પર લઈ જશે અને ત્યાં દફન કરી આપશે. જોકે આ માટે કિલોગ્રામ દીઠ ૩૦ લાખ ડોલર (રૂપિયા ૨૦ કરોડથી વધુ) જેવી તોતિંગ રકમ ચૂકવવી પડશે.
કંપનીના સીઈઓ નવીન જૈનનું કહેવું છે કે અમારી પાસે ચંદ્રયાત્રા માટે અત્યારથી જ ગ્રાહકોની લાઈનો લાગી છે. અલબત્ત, આ લોકો ચંદ્ર પર અસ્થિ મોકલવા ઇચ્છે છે. મૂન એક્સપ્રેસનું યાન સંભવત આવતા વર્ષે - ૨૦૧૭માં ચંદ્ર પર લેન્ડ થાય જૈનનું આયોજન છે. આ યાન રોબોટિક હશે, એટલે કે ચંદ્ર પર જઈને હલનચલન કરી શકશે. અસ્થિ ઉપરાંત પણ લોકો કંઈ બીજી ચીજો મોકલવા માંગતા હોય તો એ પણ લઈ જવાની કંપનીની તૈયારી છે. કોઈ કંપનીને આ પ્રકારે ચંદ્રયાત્રા પર જવાની મંજૂરી મળી હોય એવી આ પહેલી ઘટના છે.
૨૦૧૦માં જૈને અમેરિકન ઉદ્યોગ સાહસિકો રોબર્ટ રિચાર્ડ અને બેર્ની પેલ સાથે મળીને આ કંપની સ્થાપી હતી. અવકાશ મિશનો માટે ઘણી ખાનગી કંપનીઓ સ્થપાઈ છે અને તૈયારી પણ કરી રહી છે. આ તમામ કંપનીઓએ મૂન એક્સપ્રેસને મળેલી મંજૂરીને મોટી સિદ્ધિ ગણાવી છે. આ કંપનીનો મૂળ ઉદ્દેશ અવકાશમાંથી વિવિધ ધાતુઓનું ખોદકામ કરવાનો છે. ચંદ્ર પરથી પ્લુટોનિયમ, હિલિયમ-૩, રેર અર્થ એલિમેન્ટ ગણાતી ધાતુઓ વગેરે પૃથ્વી પર લાવવા માગે છે.