ચાના બગીચામાં દાટેલું રૂ. ૩૦૦ કરોડનું સોનું કોણ લઇ ગયું?

Thursday 14th April 2016 07:35 EDT
 
 

નવી દિલ્હી, ગુવાહાટીઃ કોઈ ગુપ્ત સંતાડેલા ખજાના માટે હત્યા થઈ હોય એવી સંખ્યાબંધ ફિલ્મો હોલિવૂડ અને બોલિવૂડમાં બની ગઇ છે, પરંતુ આવી ફિલ્મોના પ્લોટને ટક્કર મારે એવી સાચુકલી સ્ટોરી આસામમાં આકાર લઈ ચૂકી છે. આ વાત આમ તો બે વર્ષ જૂની છે, પરંતુ અત્યારે પ્રકાશમાં એટલા માટે આવી છે કે હવે આ વાત સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે.
ગુપ્તચર વિભાગમાં અધિકારી રહી ચૂકેલા મનોજ કૌશલે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યાં છે. કૌશલનો દાવો છે કે આસામના ચાના બગીચામાંથી ૩૦૦ કરોડ રૂપિયાનું સોનું ગાયબ થયું છે. કોઈ આ બગીચો ખોદીને ૩૦૦ કરોડનું સોનું ઉઠાવી ગયું છે.
કૌશલે સુપ્રીમ કોર્ટને આપેલી માહિતી મુજબ આસામમાં બોડો ઉગ્રવાદીઓના ચાના બગીચાના માલિકો પાસેથી ખંડણી ઉઘરાવે છે. બે વર્ષ પહેલાં ઉગ્રવાદીઓએ આ રીતે ખંડણી માગી હતી. આસામ ટી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ મૃદુલ ભટ્ટાચાર્યએ વિવિધ બગીચાઓના માલિકો પાસેથી ખંડણીની રકમ પેટે ૩૦૦ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.
તે સમયે બોડો ઉગ્રવાદીઓએ માગણી કરી હતી કે તેમને રોકડ રકમ નહીં, પરંતુ એટલી જ રકમનું સોનું જોઈએ છે. આથી ખંડણીની આ રકમમાંથી ૩૦૦ કરોડ રૂપિયાનું સોનું ખરીદવામાં આવ્યું હતું અને ચાના એક બગીચામાં જ આ સોનું દાટી દેવાયું હતું. તેની સાથે એક-૪૭ અને બીજાં શસ્ત્રો પણ દાટવામાં આવ્યા હતા. બોડો ઉગ્રવાદીઓ નિશ્ચિત સમયે આ સોનું અને શસ્ત્રો કાઢીને લઈ જશે એવું નક્કી થયું હતું.
જોકે ૨૦૧૨ની આ સ્ટોરીમાં અચાનક એક ટર્ન આવ્યો. મૃદુલ ભટ્ટાચાર્ય અને તેમનાં પત્ની રીટા ભટ્ટાચાર્ય તિનસુકીયાના એક બંગલોમાં હતા તે બંગલો રાતે કોઈએ સળગાવી દીધો. આગ એટલી પ્રચંડ હતી કે મૃદુલા અને તેમનાં પત્ની રીટા સળગી જઈને મૃત્યુ પામ્યા.
આ દંપતીને સળગાવીને મારવાનો કિસ્સો બહુ ગાજ્યો. આથી ગુપ્તચર વિભાગે પણ પોતાની રીતે તપાસ હાથ ધરી. તે વખતે આ તપાસ હાથ ધરનારા મનોજ કૌશલને બગીચામાં ૩૦૦ કરોડ રૂપિયાનું સોનું સંતાડાયું હોવાની જાણ થઈ. તેમણે સૈન્યને આ વિશે માહિતી આપી. સૈન્યના અધિકારીઓએ નક્કી કર્યું કે ૧ જૂન, ૨૦૧૪ના રોજ સૈન્ય દ્વારા બગીચામાંથી સોનું ખોદી કાઢી લેવામાં આવશે.
જોકે આ વાત ફૂટી ગઈ. ૩૦મી મેની રાત્રે જ અજાણ્યા લોકો આ બગીચામાં પહોંચી ગયા અને ૩૦૦ કરોડનું સોનું લઈ ગયા. આ લોકો કોણ હતા? તેમને સૈન્યની ગુપ્ત બાતમી કેવી રીતે મળી ગઈ વગેરે પ્રશ્નો આજે પણ અનુત્તર છે.
મનોજ કૌશલે આ અંગે આસામ સરકાર, સૈન્ય અને ભારત સરકારના સંખ્યાબંધ ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી, પરંતુ રાબેતા મુજબ બને છે તેમ સરકારી તંત્રના પેટનું પાણી પણ ના હલ્યું. 
છેવટે, મનોજ કૌશલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને આ સમગ્ર પ્રકરણની તપાસ કરાવવા વિનંતી કરી છે. સુપ્રીમ કોર્ટે છઠ્ઠી મેના રોજ વધુ સુનાવણી યોજી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter