બૈજિંગઃ ચીને પેસિફિક મહાસાગરની નીચે સુરંગ બનાવીને છેક અમેરિકા સુધી બુલેટ ટ્રેન ચલાવવા માટે ૧૩ હજાર કિમી લાંબી રેલવેલાઈન પાથરવાની મહત્ત્વાકાંક્ષી યોજના બનાવી છે. આ રેલવે લાઈન અલાસ્કા અને કેનેડા થઈ અમેરિકા સુધી પહોંચશે.
સૂચિત રેલવે લાઈન ઉત્તર-પૂર્વ ચીનથી શરૂ થઈને રશિયાના પૂર્વ સાઈબેરિયા, બેરિંગ, સ્ટ્રેટ, અલાસ્કા, કેનેડા થઈ અમેરિકા સુધી પાથરવામાં આવશે. ચીનની એકેડેમી ઓફ એન્જિનિયરિંગના અધિકારી અને રેલવેના નિષ્ણાત વાંગ મેંગશુએ આ માહિતી આપી હતી.
આ રેલવે લાઈન પર બુલેટ ટ્રેન ૩૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડી શકશે. આનાથી ઉત્તર-પૂર્વ ચીનના યાત્રીઓ માત્ર બે દિવસમાં અમેરિકા પહોંચી શકશે. તેમણે જણાવ્યું હતું કે ચીનની જ જેમ રશિયા પણ રેલવે નેટવર્ક પર વધારે નિર્ભર હોવાથી તેણે પણ આ યોજનામાં રસ દાખવ્યો છે.
ચીનના અખબારે વાંગને ટાંકીને જણાવ્યું હતું કે રશિયાના સેન્ટ્રલ બેરિંગ સ્ટ્રેટ અને અલાસ્કાથી જનારી રેલવે લાઈન માટે ૨૦૦ કિમીની જમીન સુરંગ બનાવવામાં આવશે.
ચીને અત્યાર સુધી અરુણાચલ પ્રદેશ પાસે આવેલા ઝિગેઝ સુધી રેલવે લાઈન પાથરી દીધી છે. ચીને અત્યાર સુધી ૧૧૦૨૨ કિમીના હાઈસ્પીડ ટ્રેન નેટવર્કની રચના પૂર્ણ કરી દીધી છે. આ ઉપરાંત વધુ ૧૨,૦૦૦ કિમી લાંબા રેલવે નેટવર્કનું કાર્ય ચાલી રહ્યું છે.