બૈજિંગઃ ચીન કૃત્રિમ ચંદ્ર વિકસાવી રહ્યું છે, અને દાવો થઈ રહ્યો છે કે આ ચંદ્ર આગામી બે વર્ષમાં એટલે કે ૨૦૨૦ સુધીમાં બનીને તૈયાર થઈ જશે. ચીને તેની આ મહત્ત્વાકાંક્ષી યોજનાનો ખુલાસો કરતા જાહેર કર્યું છે કે તે ૨૦૨૦માં એક પ્રકાશિત સેટેલાટ ચેંગદૂ શહેરમાં તૈનાત કરશે. તેનો પ્રકાશ અસલી ચંદ્ર કરતા ૮ ગણો વધુ હશે.
આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓનું કહેવું છે કે આ આઇડિયા ફ્રાન્સના એક આર્ટિસ્ટની કલા થકી આવ્યો છે. આ કલાકાર પૃથ્વી પર અરીસાના હારમાળાથી પ્રકાશ સર્જે છે. ચેંગદૂ એરોસ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી માઇક્રોઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કંપની લિમિટેડના ચેરમેન વૂ ચુફેન્ડે એક કાર્યક્રમમાં પોતાની આ યોજના અંગે જણાવ્યું હતું.
ચુફેન્ડેનું કહેવું છે કે ૨૦૨૦માં પ્રોજેક્ટના લોચિંગ પછી શહેરની દરેક રાત ચાંદની રાત હશે. આ સમયે શહેરમાં સ્ટ્રીટ લાઇટ્સની કોઈ જરૂર રહેશે નહીં. આ કૃત્રિમ ચાંદ ૧૦થી ૮૦ કિલોમીટરના વિસ્તારને કવર કરશે તેટલો પ્રકાશમાન હશે. આમ તે અસલી ચંદ્રથી વધુ ઝળહળતો હશે. જ્યારે લોકોએ તેમને કહ્યું કે તમારો આ વિચાર એકદમ અકલ્પનીય લાગે છે. તો તેમણે કહ્યું કે આ ટેક્નોલોજી પર કામ પૂરું થઈ ગયું છે. તેનો પ્રયોગ સફળ પણ રહ્યો છે.
આમ હવે આ પ્રોજેક્ટ અંગે તો શંકાને કોઈ સ્થાન નથી. જોકે તેમના આ પ્રોજેક્ટની ટીકા પણ થઈ રહી છે. શહેરના એક વર્ગનું માનવું છે કે તેનાથી ખગોળીય અવલોકનમાં મુશ્કેલી સર્જાશે. વિશ્વભરમાં અગાઉ પણ ઘણા વિજ્ઞાનીઓ આવા પ્રયત્નો કરી ચૂક્યા છે, પરંતુ તેમને નોંધપાત્ર સફળતા મળી નથી. રશિયાએ પણ ગત વર્ષે આ પ્રકારના પ્રયોગ માટે સેટેલાઇટ લોન્ચ કર્યો હતો, પણ તે નિષ્ફળ રહ્યું હતું.
સ્ટ્રીટ લાઇટથી સસ્તો ચંદ્ર!
પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓના મત મુજબ અવકાશમાં નકલી ચંદ્ર મોકલવાનો હેતુ પૈસા બચાવવાનો છે. તેમના મતે આ ચંદ્ર સ્ટ્રીટ લાઇટ કરતાં સસ્તો પ્રકાશ પ્રસરાવશે. ‘ચાઇના ડેઇલી’એ લખ્યું છે કે નકલી ચંદ્ર દ્વારા ૫૦ વર્ગ કિલોમીટર વિસ્તારમાં થનારા અજવાળાથી વર્ષે ૧૭.૩ કરોડ ડોલરની વીજળી બચાવી શકાશે. ઉપરાંત કુદરતી આપદાના સમયમાં નકલી ચંદ્ર અજવાળું પાથરી શકે છે. ગ્લાસ્ગો યુનિવર્સિટીના સ્પેસ સિસ્ટમ એન્જિનિયરિંગ વિભાગના ડો. મૈટિયો સિરિઓટીએ કહે છે કે આ યોજના રોકાણની દૃષ્ટિએ મૂલવવામાં આવે છે. રાતના સમયે વીજળી ખર્ચ વધુ થાય છે. આવા સંજોગોમાં જો કોઈ ચીજ દ્વારા એક જ વખતના ખર્ચમાં આવનારાં ૧૫ વર્ષો સુધી મફત વીજળી મળી રહે તો તે ખૂબ સસ્તું સાબિત થશે.