ચીનમાં કેટલાક સમયથી લગ્નવિચ્છેદનાં કિસ્સા વધી રહ્યાં છે. જેનાથી સરકાર પણ પરેશાન છે. તેથી લગ્ન વિચ્છેદની ઘટનાઓને રોકવા માટે સરકાર સક્રિય બની છે. સરકારે તલાક પહેલાં યુગલની પરીક્ષા લેવાનો નિયમ લાગુ કરતાં છૂટાછેડાની ઘટનામાં ઘટાડો પણ નોંધાયો છે.
નિયમ પ્રમાણે તલાક પહેલાં પતિ પત્નીને લેખિત પરીક્ષા આપવાની હોય છે. આ ટેસ્ટમાં કપલને મેરેજ એનિવર્સરી, પાર્ટનરની બર્થ ડેટ, સહિતના અનેક સવાલ પૂછવામાં આવે છે. આ પ્રશ્નપત્રમાં ઓબ્જેક્ટિવ અને ડિસ્ક્રિપ્ટિવ સહિતના સવાલ હોય છે. તલાકની અરજી દાખલ કરતાં પહેલાં કપલે આ ટેસ્ટ આપવાની રહે છે. ન્યૂ યોર્ક ટાઈમ્સ અખબારના એક અહેવાલ મુજબ આ ટેસ્ટમાં ૧૫ સવાલોના માર્કસ ૧૦૦ હોય છે. પ્રશ્નપત્રના ચેકિંગ બાદ અંક જો ૬૦થી વધુ હોય તો સૌથી પહેલા લોકલ ઓથોરિટી કપલને લગ્ન ન તોડવા માટે વિચાર કરવાની અપીલ કરે છે.
ગત વર્ષ ૨૦૧૭માં પહેલા ૬ મહિનામાં ચીનમાં જ લગભગ ૨૦ લાખ તલાક થયા હતા. આ આંકડા ૨૦૧૬ના આંકડાથી ૧૧ ટકા વધુ હતા. તલાકના મોટાભાગના કેસમાં મહિલાઓએ પહેલા અરજી આપી હતી. સરકાર આ મુદ્દાને લઇને ચિંતિત હતી કારણ કે, લગ્નસંસ્થાથી સમાજ સ્થાયી અને સ્વસ્થ રહે છે. ચીની સરકારે લગ્ન વિચ્છેદ પહેલાં દંપતી માટે લેખિત પરીક્ષાનો નિયમ ઘડ્યો છે.