ચીનમાં મોડર્ન રૂદાલી પ્રથાઃ તમે બોલાવો તો સ્વજનના મરણે કોફિન પાસે ભાડૂતી માણસો રડે

Thursday 05th January 2017 02:45 EST
 
 

બિજિંગઃ ચીનમાં ધનાઢય અને પ્રતિષ્ઠિત માણસના કોફિન સામે ભાડૂતી માણસોને રડાવવાની પ્રથા ચાલે છે. આ ભાડૂતી માણસો જાણે કે ખરેખર આઘાત લાગ્યો હોય એમ રડવાની આબેહૂબ એકટિંગ કરે છે. તેમને આ રીતે ધ્રુસકેને ધ્રુસકે રડતા જોઇને મૃતકના સગા પણ રડી પડે છે. સાઉથ ઇસ્ટ ચીનના ફુજિયાન પ્રાંતમાં ૩૫ વર્ષની મહિલા ચેન સોકિંયાંગ ભાડેથી રડવા માટેનું ગ્રુપ ચલાવે છે. સાત લોકોનું આ ગ્રુપ અડધો કલાક રડવાના ૩૦૦ ડોલર વસૂલે છે. અહીંના પૈસાદાર ફેમિલીમાં રડવા માટે માણસો ભાડે લાવવાની પ્રથા ચાલતી હોવાથી રડીને રુપિયા કમાનારાઓને બખ્ખા થઈ ગયા છે.

સામાન્ય રીતે રડનારા ગ્રુપમાં એક બે પુરુષ અને બાકીની બધી મહિલાઓ હોય છે. આ ગૃપના લોકો જેવો ઓર્ડર મળે કે તરત જ શોકના કપડાં અને મેક અપ કરીને પહોંચી જાય છે. તેઓ મૃતકના કોફિનની જોડે લાઉડ સ્પીકર હાથમાં લઇને રોક્કડ કરી મૂકે છે.

ભાડેથી રડનારાને મૃતકના સૌથી અંગત સગા કોણ છે તેની પહેલેથી જાણકારી આપવામાં આવે છે. આથી એ મુજબ વારંવાર તેમની સામે જોઇને રડયા કરે છે. મૃતકના સ્વભાવની ખાસિયત અને ગુણોની મળેલી જાણકારીને શોકના ગીતોમાં વણી લે છે. આ એકટિંગ એટલી અસલી માલૂમ પડે છે કે શાંત ઉભેલા મૃતકના સગાઓ રડવા પ્રેરાય છે.

રડવા માટે ભારે મહેનત પડે છે: ચેન સોકિંયાંગ

ચેન સોકિંયાંગના જણાવ્યા મુજબ પ્રોફેશનલ મોર્નિંગ સર્વિસનો બિઝનેસ જોરદાર ચાલે છે. ઘણી વાર તો એક સ્થળેથી બીજા સ્થળે જવામાં થાકી જવાય છે. કયારેક તો ઉતાવળમાં ગાડીની પાછળ જ મેક અપ કરવો પડે છે. ઘણી વાર આર્ટિસ્ટોએ રડવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. આ કલાકારો દિવસો સુધી પોતાના ઘરે ન જઇ શકયા હોવાનું અવારનવાર બને છે. આ રીતે રડવાનો કાર્યક્રમ પૂરો થાય પછી દૂર પાર્ક કરેલી ગાડી પાસે મૃતકનો કોઇ સગો પેમેન્ટ આપવા આવે ત્યારે બધા આર્ટિસ્ટ ખુશ થઇ જાય છે. આ રીતે પૈસા કમાવા એ ખૂબજ અઘરો વ્યવસાય હોવા છતાં નિષ્ઠાપૂર્વક નિભાવીએ છીએ. આ પ્રોફેશનલ ક્રાયરના બિઝનેસમાં લાગણીશીલ ચહેરા ઉપરાંત અવાજ પણ ખૂબજ મહત્ત્વનો છે. આથી બધા લોકો પ્રોફેશનલ ક્રાયર બની શકતા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter