બાલાઘાટઃ મધ્ય પ્રદેશની બાલાઘાટ સીટ પર ચૂંટણી જંગ રોચક બન્યો છે. આ બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય અનુભા મુંજારેના પતિએ પણ લોકસભા ચૂંટણી જંગમાં ઝૂકાવ્યું છે, પરંતુ તેમનો પક્ષ અલગ હોવાથી પરિવારની શાંતિમાં પલિતો ચંપાયો છે. બહુજન સમાજ પાર્ટી (બસપા)એ અનુભા મુંજારેના વિધાનસભા ક્ષેત્રમાં જ તેમના પતિ કંકર મુંજારેને ટિકિટ આપી છે. પતિને બસપા તરફથી ટિકિટ મળતા ધારાસભ્ય પત્ની માટે ધર્મસંકટ થયું છે. તેના માટે સવાલ હતો કે પતિના સમર્થનમાં પ્રચાર કરવો કે કોંગ્રેસના કર્તવ્યનિષ્ઠ કાર્યકર્તા તરીકે પક્ષ માટે કામ કરવું. જોકે અનુભાએ હવે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે, તે પક્ષ સાથે છે. બીજી તરફ, મહિલા ધારાસભ્ય અનુભાને તેના પતિ કંકર મુંજારેએ મતદાન સુધી ઘરમાં ન રહેવાની સલાહ આપી છે. તેણે ધારસભ્ય પત્નીને પોતાની બહેનના ઘરે જતા રહેવા કહ્યું છે અને જો તે આમ નહીં કરે તો, પોતે ઘર છોડવાની ધમકી ઉચ્ચારી છે. બીજી તરફ, ધારાસભ્ય પત્નીએ પતિને જવાબ આપી દીધો છે કે તેના માટે ઘર છોડવાનો તો સવાલ જ નથી.