લંડનઃ દેશમાં આઠમી જૂને યોજાયેલી ચૂંટણીમાં વિરોધ પક્ષને ૩૮ ટકા કરતાં ઓછા મત મળશે તેવી પોતે કરેલી આગાહી ખોટી પડતાં પ્રોફેસર મેથ્યુ ગુડવિન પોતાનું પુસ્તક 'બ્રેકિઝટ: વ્હાય બ્રિટન વોટેડ ટુ લીવ ધ યુરોપિયન યુનિયન' લાઈવ ટીવી શોમાં ચાવી ગયા હતા.
યુનિવર્સિટી ઓફ કેન્ટના પોલિટિક્સના પ્રોફેસર ગુડવિને ગયા મહિને ટ્વિટ કરીને કહ્યું હતું કે જેરેમી કોર્બિનની લેબર પાર્ટીને ૩૮ ટકા મત પણ નહીં મળે. એટલું જ નહીં, ગુડવિને પડકાર ફેંક્યો હતો કે જો પોતાની આગાહી ખોટી પડશે તો તે પોતાનું પુસ્તક ખાઈ જશે. ચૂંટણીના પરિણામ જાહેર થતાં લેબર પાર્ટીએ ૪૦.૩ ટકા મત મેળવ્યા હતા.
ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ સોશિયલ મીડિયામાં ગુડવિનની ભારે ટીકાઓ થઈ હતી. લેબર પાર્ટીના સમર્થકોએ ગુડવિનને ટ્રોલ કર્યા બાદ તેઓ લાઈવ ટીવી શોમાં ભાગ લેવા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પોતે વચનનું પાલન કરનારા છે. તેમણે જણાવ્યું હતું કે તેમની ધારણા કરતાં લેબર પાર્ટીને બે ટકા વધુ મત મળ્યા, પરંતુ બે ટકા પણ ઘણા મહત્ત્વના છે. પોતે વચન પાળવા માટે પુસ્તક ચાવી જશે. અને ખરેખર તેમણે એવું જ કર્યું.
ગુડવિને લાઇવ ટીવી શોમાં જ પોતાના પુસ્તકમાંથી એક એક પાનું ફાડીને ખાવાનું શરૂ કર્યું હતું. ખાતાં ખાતાં તેમણે જણાવ્યું હતું કે બહુ કડક (પાન) છે, તેમાં ઘણા કેમિકલ્સ પણ હશે જ, પણ ખાધા વિના છૂટકો નથી. જોકે આ લાઈવ શો પૂરો થયા બાદ પ્રોડયુસરે ટ્વિટ કર્યું હતું કે ગુડવિને પાના ચાવ્યા હતા, પણ પછી ગળે ઉતાર્યા નહોતા.