ચેન્નઈઃ ચેન્નઈથી થોડે દૂર ક્રોકોડાઈલ બેન્ક અને કાચબા-સાપનું સંરક્ષણ કેન્દ્ર આવેલું છે. ત્યાં રહેલા જાયન્ટ આલ્ડેબ્રા પ્રકારના કાચબાઓમાંથી એક કાચબો ગુમ થયો છે. સાવ ધીમી ચાલે ચાલતો કાચબો પોતાની મેળે તો પાર્કની બહાર નીકળી જઇને ગુમ થઈ શકે નહીં. આથી તેની ચોરી થયાની પ્રબળ શંકા વ્યક્ત થઈ રહી છે. આ પ્રકારના કાચબા જગતના સૌથી મોટા પૈકીના એક ગણાય છે અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેના ઓછામાં ઓછા દસ લાખ રૂપિયા તો ઉપજે જ.
મદ્રાસ ક્રોકોડાઈલ બેન્કના અધિકારીઓએ આ કાચબાની તપાસ આદરી દીધી છે અને એ અંગે ફરિયાદ પણ લખાવી દેવાઈ છે. પાર્ક સત્તાવાળાઓના કહેવા પ્રમાણે આ ચોરી તો લગભગ છ અઠવાડિયા પહેલા થઈ હતી, પરંતુ પોતાની રીતે પણ તપાસ કર્યા પછી એ કાચબો ન મળતાં હવે વિગતો જાહેર કરાઈ છે. પોલીસને સ્વાભાવિક રીતે પાર્કમાં જ કામ કરતા માણસો પર શંકા ઉભી થઈ છે.
ગાલાપાગોસ ટાપુ પર જોવા મળતા વિરાટકાય કાચબા પછી આ બીજા ક્રમના મોટા કાચબા છે. આ કાચબા દોઢસો વર્ષ સુધી જીવી શકે છે. તેનું વજન પણ ૨૦૦ કિલોગ્રામ સુધી નોંધાયુ છે, જ્યારે લંબાઈમાં એ દોઢેક મીટર સુધી વિકસતા હોય છે. જોકે ગુમ થયેલો કાચબો હજુ ૫૦ વર્ષનો હતો અને વજન ૮૦-૧૦૦ કિલોગ્રામ જ હતુ. આ પાર્કમાં ઘણા કાચબા ઉપરાંત અસંખ્ય મગર, સાપ વગેરે સરીસૃપ જીવો રહે છે અને તેમના પર સંશોધન થાય છે.