ઉમદા ઉદ્દેશ માટે ભંડોળ એકત્ર કરવા માટે જાંબાઝો પોતાની જાતનો પણ વિચાર કરતાં નથી. કિક-બોક્સિંગના વર્લ્ડ ચેમ્પિયન કાર્લ થોમસે પણ યોર્ક નજીક આવેલી એલ્વિંગ્ટન એર ફિલ્ડમાં આવું જ એક અનોખું મિશન શરૂ કર્યું છે. કાર્લે ૧.૨૫ ટન વજન ધરાવતા ચાર્ટર્ડ પ્લેનને ખેંચીને મેરેથોન દોડ જેટલું અંતર કાપવાનું સાહસ આદર્યું છે. એક મેરેથોન રેસમાં સ્પર્ધકે ૪૨.૨ કિલોમીટરનું અંતર કાપવાનું હોય છે. ૩૫ વર્ષના કાર્લ થોમસે બાળકોમાં જોવા મળતા બેટ્ટેન્સ નામના રોગની સારવાર માટે ભંડોળ એકત્ર કરવા માટે આ સાહસ કર્યું છે. બેટ્ટેન્સનો શિકાર બનેલા બે બાળકો ધરાવતા પરિવારની આર્થિક સહાય કરતી એક સંસ્થા માટે નાણાં એકત્ર કરવા કાર્લે થોમસે આ સાહસિક અભિયાન આદર્યું છે. થોમસ કહે છે કે મારી ઈચ્છા ઓછું વજન ધરાવતા વિમાનને ખેંચતાં ખેંચતાં મેરેથોન દોડ જેટલું અંતર પૂરું કરવાની હતી, પણ ઓછા વજનવાળું વિમાન હાલ ઉપલબ્ધ ન હોવાથી મારે ૧,૨૫૦ કિલોનું વજન ધરાવતા આ વિમાનને ખેંચવાનો નિર્ણય લેવો પડ્યો હતો. કાર્લ થોમસનું લક્ષ્ય આ અભિયાન થકી ૨.૫ લાખ પાઉન્ડનું ભંડોળ એકત્ર કરવાનું છે. થોમસે ૧૦ વર્ષના સમયગાળામાં ૧૦ જુદી જુદી ચેરિટી ચેલેન્જ પૂરી કરીને ૧૦ લાખ પાઉન્ડનું ભંડોળ એકઠું કરવાનું મિશન ઉપાડ્યું છે. અગાઉ તે ૧૦ દિવસમાં ૧૦ મેરેથોન તેમજ ૧૦ દિવસમાં ૨,૪૦૦ કિલોમીટરથી વધુ સાઈકલિંગ કરી ચૂક્યો છે.