જાપાનના લોકો બહુ શિષ્ટાચાર ધરાવતા હોવાની છાપ છે. જોકે અહીંના ચોર પણ કેટલા શિષ્ટ (!) છે એનો એક કિસ્સો તાજેતરમાં બહાર આવ્યો છે. તાજેતરમાં જાપાનના ઓગોરી શહેરમાં લોસન સ્ટોર નામની સુપરમાર્કેટમાં મોડી રાત્રે એક માણસ ખૂબ ઝડપથી ઘૂસ્યો. એ વખતે સ્ટોરમાં કોઈ જ નહોતું. તેણે કાઉન્ટર પર ધસી જઇને મેનેજરને કહ્યું, ‘હું અહીં ચોરી કરવાના આશયથી આવ્યો છું? શું તમે મને મારા કામમાં સહકાર આપશો?’
એકદમ વિનંતીના સ્વરે કોઈ ચોરી કરવાની વાત કરે તો સામેવાળો શું જવાબ આપે? મેનેજર સવાલ સાંભળીને પહેલાં તો બઘવાઈ ગયો પરંતુ પછી તેણે પણ એટલી જ શિષ્ટતાથી જણાવી દીધું કે અહીં ચોરી કરવા નહીં મળે. કદાચ આ પછી પેલા ચોરે હથિયાર કાઢીને ધમકી આપી હશે એવું જો તમે ધારતા હો તો ખોટું છે. એવું કંઇ ન થયું. ચોરી કરવાના આશયથી આવેલા ભાઈ એમ જ સ્ટોરમાંથી બહાર નીકળી ગયા અને ત્યાંથી તેમણે સીધા નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને સરેન્ડર કરી દીધું. આત્મસમર્પણ કરીને તેણે કહ્યું કે તેણે ચોરીનો પ્રયત્ન કર્યો હતો પણ તે નિષ્ફળ ગયો હતો. પોલીસે વિગતો પૂછી તો તેણે પોતે કયા સ્ટોરમાં ચોરી કરવા ગયેલો એ પણ કહી દીધું. પોલીસે આ સ્ટોરમાં તપાસ કરાવી તો મેનેજરે આ ઘટના ઘટી હોવાનું સમર્થન કર્યું. પોલીસે આખરે તેના પર ચોરીના પ્રયત્નનો ગુનો નોંધ્યો હતો. પોલીસનું માનવું છે કે આ ખરેખર ચોર નથી, પરંતુ પોતાની અરેસ્ટ કરાવવા માગતો હોવાથી જાતે ઊભું કરેલું તૂત છે. એ તૂત છે એવું જાણવા છતાં પોલીસે તેના પર ગુનો દાખલ કર્યો છે. કાયદો એટલે કાયદો.