લંડનઃ બગાસું ખાતાં પતાસું મળ્યાની ઉક્તિ તો આપણે સહુએ અનેક વખત સાંભળી ચૂક્યા છીએ, પરંતુ આ વાત તો છીંક ખાતાં વીંટી મળ્યાની છે. વેસ્ટ યોર્કશરમાં રહેતી ૨૦ વર્ષની અબિગેલ થોમસન નામની બ્યુટિશ્યનને તાજેતરમાં ૧૨ વર્ષ પહેલાં ખોવાયેલી એક વીંટી મળી. આટલાં વર્ષે વીંટી મળી એ મહત્ત્વનું નથી, પણ જે રીતે મળી એ જરૂર અનોખું છે.
વાત એમ છે કે ૨૦૦૭માં આઠમી વર્ષગાંઠ વખતે અબિગેલને તેની મમ્મીએ સોનાની વીંટી બનાવી આપી હતી. આટલી નાની ઉંમરે વીંટી સાચવવાનું અબિગેલને ફાવ્યું નહીં અને થોડા જ દિવસમાં એ ગુમ થઈ ગઈ. પહેલાં તો તેની મમ્મી દીકરીને વઢી અને અભિગેલે પણ ખૂબ શોધી. જોકે ક્યાંય ન મળતાં આખરે બન્નેએ ધારી લીધું કે કદાચ સોનાની ચીજ તેના દોસ્તમાંથી જ કોઈકે ચોરી લીધી હશે.
જોકે આ વાતને ૧૨ - ૧૨ વર્ષનાં વ્હાણાં વીતી ગયાં ગયાં અને થોડાક દિવસ પહેલાં અબિગેલને શરદી થઈ હોય એવું લાગ્યું. કદીયે નહીં ને એ દિવસે તેને ઉપરાઉપરી એટલી બધી છીંકો આવવા લાગી કે તે લગભગ બેવડ વળી ગઈ. જોકે એક છીંક દરમિયાન તેના નાકમાંથી કશુંક જોરથી ફેંકાઈને બહાર આવ્યું. નીચે જોયું તો પેલી ખોવાયેલી વીંટી!
આટલાં વર્ષોથી વીંટી નાકમાં ભરાઈ પડી હતી એનો અબિગેલને જરાય અંદાજો પણ નહોતો. આ દરમિયાન તેને કદી નાકમાં કશુંક ફસાયું છે એવું પણ મહેસૂસ નહોતું થયું. વરિષ્ઠ પ્લાસ્ટિક સર્જનોનું કહેવું છે કે બાળકો નાકમાં ગમે એ ચીજો ભરાવી દેવાની આદત રાખતાં હોય એ અસમાન્ય નથી. કદાચ વર્ષો પહેલાં વીંટી નાકમાં ગઈ ત્યારે ચોક્કસ જગ્યાએ જઈને ફસાઈ ગઈ હશે. જોકે ઉંમરની સાથે નાકની સાઇઝ મોટી થતાં અંદરની નળી પણ વિસ્તરી હોવાથી એ ઢીલી થઈ ગઈ અને છીંકની સાથે બહાર ફેંકાઈ આવી હશે.