જયપુર: સારો પાક લેવા માટે તાજેતરમાં ખેડૂતોએ નવી રીત શોધી છે. શેખાવટીના ખેડૂતો ખેતરોમાં જંતુનાશકની જગ્યાએ દેશી અને અંગ્રેજી દારૂનો છંટકાવ કરી રહ્યા છે. ખેડૂતોએ કહ્યું કે, જંતુનાશકોના ભાવ ખૂબ વધારે હોવાથી પાક પર દારૂનો ઉપયોગ શરૂ કરાયો છે. તેનાથી પાકનો ગ્રોથ પણ થઇ રહ્યો છે અને ઉપજ પણ વધી રહી છે. ભાસ્કરે ઝુંઝુનુ, સિકર, ચુરુ જિલ્લામાં ઘણા ખેતરોમાં પહોંચીને પાંચ દિવસ સુધી તપાસ કરી હતી. ખેતરોમાં ખેડૂત દેશી અને અંગ્રેજી દારૂનો છંટકાવ કરતા જોવા મળ્યા હતા.
ક્ષેત્રમાં લહેરાતા પાકમાંથી ઊઠતી દારૂની દુર્ગંધથી અનુભવાય છે કે પાક દારૂના નશામાં લહેરાઇ રહી છે. ફળ અને શાકભાજીઓ પર સામાન્ય રીતે દેશી દારૂનો છંટકાવ કરાય છે પણ વખતે પાક પર દેશી અને અંગ્રેજી દારૂ પણ રેડાઇ રહ્યો છે. કૃષિ નિષ્ણાતો પ્રકારના કોઇ પણ સાઇન્ટિફિક રિસર્ચને નકારી રહ્યા છે, પણ ખેડૂતોનો તર્ક છે કે દારૂ પાક અને શાકભાજી માટે મોંઘાદાટ જંતુનાશકો કરતા વધારે ઉપયોગી છે.
ઉપજ વધારે, કીટકોનો ભય નહીં
ખેડૂતોનું માનવું છે કે દેશી અને અંગ્રેજી દારૂના ઉપયોગ બાદ તેમની ઉપજમાં વધારો થયો છે. ઝુંઝુનુના એક ખેડૂતના અનુસાર અમે છેલ્લાં ત્રણ વર્ષમાં ચણાની ખેતીમાં જંતુનાશકોની જગ્યાએ દારૂનો ઉપયોગ કરવાથી તેમની ઉપજમાં વધારો થયો છે.
અડધા વીઘા જમીનમાં એક પેગ
ખેડૂતોનો તર્ક છે કે અડધા વીઘા ખેતરમાં ૨૫-૩૦ મિલી લીટર એટલે કે અડધો પેગ દારૂ પૂરતો છે. મોટા ભાગના ખેડૂતો ૧૧ લીટર અને ૧૬ લીટરના સ્પ્રે મશીનમાં ૧૦૦ મિલી લીટર સુધી દેશી અને અંગ્રેજી દારૂ ભેળવીને છંટકાવ કરે છે.
નશાયુક્ત ખેતી
ચણાના પાક માટે જંતુનાશક રૂ. ૫૦૦થી ૭,૦૦૦ લીટર વેચાય છે જ્યારે દેશી દારૂ ૮૦ અને અંગ્રેજી દારૂ રૂ. ૨૦૦માં મળે છે. ચણાના ફ્લોરિંગ માટે માઇક્રોન્યુટ્રીયન્ટનો ભાવ રૂ. ૨૦૦૦ લીટરના છે.