લંડનઃ છૂરાબાજીના ગુના વિરુદ્ધ લોકોને જાગૃત કરવા અને છૂરાના સકારાત્મક ઉપયોગનો સંદેશ આપવા ‘ચેરિટી સ્ટીલ વોરિયર્સ’ સંસ્થાએ અનોખી પહેલ કરી હતી. સંસ્થાએ પોલીસે જપ્ત કરેલા છૂરા ઓગાળીને જીમના સાધનો બનાવ્યા છે.
બ્રિટનમાં છૂરાબાજીની વધતી ઘટનાઓથી પોલીસ મુશ્કેલીમાં મુકાઈ હતી. ગત વર્ષે પોલીસે લોકો પાસેથી દરરોજ સરેરાશ એક છૂરો જપ્ત કર્યો હતો. આ છૂરાને સુરક્ષિત જગ્યાએ રાખવા અથવા નષ્ટ કરવા એ પણ પોલીસ માટે મોડો પડકાર હતો. આ જીમ બનતા તે સમસ્યા ઉકેલાઈ ગઈ છે. જીમમાં આવતા લોકોને શરીર સ્વસ્થ બનાવવાની સાથે તેઓ તેમની આજુબાજુ છૂરાબાજીનો ભોગ બનનાર વ્યક્તિની મદદ કેવી રીતે કરી શકે તેની માહિતી આપે છે.
સંસ્થાના સહસંસ્થાપક બેન વિન્ટર અને પિયા ફોન્ટેસે જણાવ્યું હતું કે સૌથી વધુ છૂરા યુવાનો જ ખરીદતા હોવાથી જીમ બનાવવા માટે લંડનના ટાવર હેમલેટ્સ સ્થિત લંડન પાર્કની પસંદગી કરવામાં આવી હતી. તેઓ જીમમાં આવતા યુવાનોને છૂરાબાજીથી બચવાની અને બોડી બિલ્ડિંગ સાથે બીજાને મદદ કરવાની તાલીમ આપે છે.
ફોન્ટેસ કહે છે કે ઘટનાસ્થળે હાજર લોકો છૂરાબાજીનો ભોગ બનેલા પીડિતનો જીવ કેવી રીતે બચાવી શકાય તે જાણતા ન હોવાથી તે બચી શકતો નથી.