જો તમે રંગબેરંગી ફૂલોનો નજારો નિહાળવાના શોખીન હોવ તો તમારા માટે એશિયાનું સૌથી મોટું નજરાણું પેશ છે. એશિયાનો સૌથી મોટો ટ્યુલિપ ગાર્ડન રવિવારથી જમ્મુ-કાશ્મીરમાં ખુલ્લો મૂકાયો છે. ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યુલિપ ગાર્ડન નામનો આ મનમોહક ગાર્ડન શ્રીનગરના દાલ લેક અને ઝબરવન વચ્ચે આવેલો છે. આ ગાર્ડનમાં હવે વિવિધ રંગોના અને સ્વરૂપોના 15 લાખથી વધુ ટ્યુલિપ છે. આ બાગ પહેલાં સિરાજ બાગ તરીકે જાણીતો હતો. તેમાં હાઈસિન્થ્સ, ડેફોડિલ્સ, મસ્કરી અને સિક્લેમેન્સના ફૂલ જોવા મળ્યા છે. આ બાગ રવિવારે ખુલ્લો મુકાય તે માટે જબરજસ્ત તૈયારી કરાઈ હતી. ખીલેલા ટ્યુલિપ ત્રણથી પાંચ દિવસ રહે છે. પ્રવાસીઓમાં ટ્યુલિપ ગાર્ડન જોવા માટે જબરજસ્ત ધસારો હોય છે. કાશ્મીરની ખીણમાં આવનારી કોઈ પણ વ્યક્તિ તુલિપ ગાર્ડન જોયા વગર પરત ફરે તેવું બનતું જ નથી.