ટોકિયો: રડવું દરેક વ્યક્તિ માટે જરૂરી છે અને તેના કેટલાક લાભ પણ છે. જોકે જાપાની પ્રજાએ તો રડાવાનો અને પછી લોકોને છાના રાખવાનો નવો બિઝનેસ શરૂ કર્યો છે. જાપાનમાં કેટલીક સંસ્થા રડાવવાની સર્વિસ પૂરી પાડે છે અને ઘણી જાપાની કંપનીઓ આ સર્વિસનો લાભ પણ લઈ રહી છે. લોકો વચ્ચે ટીમ ભાવના જળવાઈ રહે, લાગણી સહજતાથી વ્યક્ત થતી જાય અને લોકો પોતાના અંતરની વાત ખૂલીને કરતાં થાય એ આ કવાયત પાછળનો મુખ્ય ઉદ્દેશ છે.
જાપાની સંસ્થાઓએ રડાવવા અને પછી આંસુ લૂછવા માટે સેન્ટરો ખોલ્યાં છે. અનેક કંપનીઓ તેમનો નિયમિત રીતે લાભ લે છે. લોકોને કઈ રીતે રડાવવા તેના પણ વિવિધ નુસખાઓ શોધી લેવાયા છે. આંખમાં કોઈ નુકસાનકારક પદાર્થ નાંખ્યા વગર કુદરતી રીતે આંસુ આવે એ મહત્ત્વના છે. માટે લાગણીશીલ ફિલ્મો બતાવી લોકોની આંખો ભીની કરવાની પરંપરા વધારે પ્રચલિત થઈ છે.
હિરોગી તરાઈ નામના જાપાની યુવાને આ પ્રથા શરૂ કરી છે. તરાઈ કહે છે કે તેને હંમેશા લોકોના દિલમાં છુપાયેલી લાગણી બહાર આવે તેમાં રસ છે. એ માટે તેણે આંસુનો રસ્તો પસંદ કર્યો છે. વિવિધ જાપાની કંપનીઓ પોતાના કર્મચારીઓ વચ્ચે ટીમ ભાવના અને સદ્ભાવના સહિતના ગુણો જળવાઈ રહે એટલા માટે આંસુ વહેવડાવતી સંસ્થાના વર્કશોપ પોતાને ત્યાં યોજે છે. જે કંપની વર્કશોપ યોજવા ઈચ્છતી હોય તેને સ્વીપિંગ બોયનો વિકલ્પ આપવામાં આવે છે એટલે કે સંસ્થા પાસે વિવિધ હેન્ડસમ યુવાનો હોય છે. તેમાંથી તમે કહો એ યુવાન આવીને તમારી કંપનીના કર્મચારીઓ રડે ત્યારે સેમિનાર દરમિયાન આંસુ લૂછે એવી પસંદગી કરી શકાય છે. અત્યારે જાપાનમાં આ બિઝનેસમાં તેજી છે.