ટોક્યોઃ જાપાનમાં ATMની મદદથી કરોડો રૂપિયાની ઉઠાંતરીનો કેસ સામે આવ્યો છે. ગઠિયાઓએ ઈન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ્સની મદદથી ૧૪૦૦ એટીએમમાંથી આશરે ૧.૪૪ બિલિયન યેન એટલે કે અંદાજે ૯૦ કરોડ રૂપિયા કાઢી લીધા છે. પોલીસે આ ઉઠાંતરી માટે ૧૦૦ લોકોના ગ્રૂપ પર આશંકા વ્યક્ત કરી છે. આરોપીઓમાં ઈન્ટરપોલના વોન્ટેડ એવા રોમાનિયાના શખસનો પણ સમાવેશ થાય છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે ૧૪૦૦ ATMમાં પૈસાની હેરાફેરી કરવામાં આવી છે. આ તમામ ATM ટોકયો અને આસપાસના વિસ્તારોમાં આવેલા છે. જે ક્રેડિટ કાર્ડ્સની મદદથી પૈસા ઉપાડવામાં આવ્યા છે તે સાઉથ આફ્રિકાની એક બેંકે ઇશ્યૂ કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે કાર્ડ્સ ખોટી રીતે કાઢવામાં આવ્યા હોઇ શકે છે. પોલીસને શંકા છે કે સમગ્ર ઘટનામાં કોઈ ઈન્ટરનેશનલ ક્રિમિનલ ઓર્ગેનાઈઝેશનનો હાથ હોઈ શકે છે. તપાસમાં પોલીસે અન્ય દેશોની મદદ લેવાની વાત પણ કહી છે. ગઠિયાઓએ ૧૫ મેની સવારે ૫થી ૮ વાગ્યાની આસપાસ ઘટનાને અંજામ આપ્યો હતો. દરેક ટ્રાંઝેક્શનમાં એક લાખ યેન અંદાજે ૬૧,૨૮૦ રૂપિયા ઉપાડ્યા હતા. એટીએમમાંથી પૈસા ઉપાડવાની આ મેક્સિમમ લિમિટ છે. અધિકારીઓનું કહેવું છે કુલ ૧૪૦૦ ટ્રાંઝેક્શન કરવામાં આવ્યા હતા.