ટોક્યોઃ તરબૂચ ખરીદતી વેળા તમે તેમના આકાર પર કેટલું ધ્યાન આપો છો? ભાગ્યે જ ખરુંને?! પરંતુ જાપાનના ફ્રૂટ્સ ઉગાડનાર ખેડતો તરબૂચના અજીબોગરીબ આકાર આપીને લાખો રૂપિયા કમાઈ રહ્યાં છે તે હકીકત છે. ટોક્યોની એવી જ એક દુકાનમાં ફ્રૂટ ખરીદતા સમયે એવું લાગી રહ્યું છે કે જાણે કોઈ જ્વેલરી ખરીદવા આવ્યા હોઇએ. આ દુકાન અજીબોગરીબ આકારના ફળો માટે પ્રખ્યાત છે. આ દુકાન ૧૮૩૪માં શરૂ કરવામાં આવી છે. પહેલા આ દુકાન માત્ર ડિઝાઇનર શોપ તરીકે ઓળખવામાં આવતી હતી. જ્યારે હવે તેના લિસ્ટમાં અનેક ફ્રૂટનો સમાવેશ થઈ ચૂક્યો છે. જાપાનના ખેડૂતો પણ અવનવા આકારના ફ્રૂટ ઉગાડીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. જાપાનના અનેક લોકો ફ્રૂટ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ પણ કરે છે.
હાર્ટ આકારના તરબૂચ
સૌથી વધુ ડિમાન્ડમાં પિરામિડ તથા હાર્ટ જેવા આકારના તરબૂચની છે. આવું એક ડિઝાઇનર તરબૂચ હજારો પાઉન્ડ્સમાં વેચાણ થઈ રહ્યું છે. તાજેતરમાં આવું એક તરબૂચ ૨૧,૦૦૦ પાઉન્ડ કરતાં વધુ કિંમતે વેચાયું. દુકાનદાર ઓકુડા નિકિયો જણાવે છે કે અમે માત્ર ઉચ્ચ વર્ગના ગ્રાહકોને જ આ ફ્રૂટ વેંચીએ છીએ. તેઓ આવા ફ્રૂટને ગિફ્ટરૂપે આપે છે. આ ફળોને આવો આકાર આપવો ઘણો મુશ્કેલ છે. આને શણગારેલા બોક્સમાં રાખવામાં આવે છે.
ટેનિસ બોલ આકારની સ્ટ્રોબેરી
બીજા નંબરે પસંદગીનું ફ્રૂટ છે ટેનિસ બોલ સાઇઝની સ્ટ્રોબેરી. નિકિયો તેમના ખેતરમાં જ આ સ્ટ્રોબેરી ઉગાડે છે. વર્ષમાં ઓછામાં ઓછા ૫૦૦ નંગ વેચે છે. આ સ્ટ્રોબેરીને તૈયાર થતા ૪૫ દિવસનો સમય લાગે છે. આવી એક સ્ટ્રોબેરી ૩૬૦૦ પાઉન્ડ કરતાં વધુ કિંમતે વેચાય છે. તેને જ્વેલરી બોક્સ જેવા ખોખામાં રાખવામાં આવે છે. સ્ટ્રોબેરીમાં આ પ્રકારનું પરફેકશન લાવવામાં નિકિયોને ૧૫ વર્ષનો લાગ્યા છે. કેટલી વખત તો આના માટે હરાજી રખાય છે.
પિંગ-પોન્ગ જેવી દ્રાક્ષ
રૂબી રોમન દ્રાક્ષ પિંગ-પોન્ગ બોલના આકાર જેવી હોય છે. આ દ્રાક્ષનો એક ગુચ્છો ૭૨૫૦ પાઉન્ડ કરતાં પણ વધુ કિંમતે વેચાઈ રહ્યો છે. વર્ષ દરમિયાન આવા માત્ર ૨૪૦૦ બંચ જ માર્કેટમાં આવી રહ્યાં છે. ટોક્યો યુનિવર્સિટીની લેક્ચરર સેસેલિયા આ દ્રાક્ષ ખરીદવા આવી હતી. તેમનું કહેવું છે કે આવા ફ્રૂટ્સ ગિફ્ટ કરવાથી આપણું તો સ્ટેટ્સ વધે જ છે, સાથે સાથે ગિફ્ટ સ્વીકારનાર વ્યક્તિ સન્માનની લાગણી અનુભવે છે.