ટોક્યોઃ દંપતીનું સુખી-સંપન્ન લગ્નજીવન નિહાળીને ઘણી વખત લોકોના મોંમાંથી શબ્દો સરી પડતા હોય છે કે ‘રબ ને બના દી જોડી’, પરંતુ હવે સમય બદલાયો છે. આગામી દિવસોમાં આ ઉક્તિમાં ‘રબ’નું સ્થાન ‘રોબોટ’ લે તો આશ્ચર્ય નહીં પામતા. તાજેતરમાં જાપાનની રાજધાની ટોક્યોમાં યોગ્ય જીવનસાથી શોધવા માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં લગ્નવાંચ્છુ યુવક-યુવતીઓની સાથે સાથે નાના-નાના રોબોટ્સ પણ હાજર હતા. આ રોબોટ્સનું કામ શું હતું? લગ્નની વાતચીત કરવામાં ખચકાટ અનુભવતા યુવક કે યુવતીની વાત સામેના પાત્રને પહોંચાડવામાં મદદ કરવા તેમને મુકાયા હતા.
આ જીવનસાથી પસંદગી સંમેલનમાં ૨૫થી ૩૯ વર્ષની વયના યુવાનોએ ભાગ લીધો હતો. આ રોબોટ્સે તેમની ફરજ એકદમ યોગ્ય રીતે બજાવી હતી અને થોડાક લોકો સાથે વાત કરતા કુલ ચાર કપલ એકબીજા સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયા હતા. આ પ્રોગ્રામ ટોક્યોસ્થિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટ્કિસ અને અન્ય ટેક્નોલોજી ધરાવતા કન્ટેન્ટ ઇનોવેશન પ્રોગ્રામ (સીઆઇપી) એસોસિએશન દ્વારા આયોજિત કરાયો હતો. સીઆઇપીના અધિકારી યુનોસૂકે તાકાહાશીએ કહ્યું હતું કે રોબોટ એવા લોકોની મદદ કરી શકે છે, જે પોતાના લગ્નની વાત યોગ્ય રીતે રજૂ નથી કરી શકતા અથવા તો વાતચીત કરતા ખચકાય છે.
આ પ્રોગ્રામમાં ભાગ લેનારાને અગાઉ જુદા જુદા વિષયોના ૪૫ સવાલ પૂછાયા હતા, જેમાં તેમનાં સપનાં, ઈચ્છાઓ, શોખ અને નોકરી વગેરેનો સમાવેશ થતો હતો. ત્યાર બાદ આ બધી જ માહિતી રોબોટમાં અપલોડ કરી દેવાઈ હતી. આ જાણકારીના આધારે રોબોટે તમામનો ત્રણ મિનિટનો નાનકડો પરિચય પણ તૈયાર કર્યો હતો. આ ડેટાનો ઉપયોગ કરીને રોબોટે અનેક યુવક-યુવતીઓની વાત એકબીજા સુધી પહોંચાડી હતી. રોબોટના આ પ્રયાસને પગલે ચાર કપલ પણ એકબીજા સાથે લગ્ન કરવા રાજી થઈ ગયાં હતાં. રોબોટની પસંદગીના આધારે લગ્ન કરવા રાજી થયેલા એક યુવક કોનૂરો તકાશાએ કહ્યું હતું કે આ પ્રક્રિયા ખૂબ જ સરળ હતી કારણ કે, રોબોટે જ યુવતીને મારા વિશે બધું જણાવી દીધું હતું અને તેથી મારે તેને ખાસ કંઈ કહેવાની જરૂર જ ના પડી. અન્ય એક યુવતી મિયાવા આકાહાશીએ કહ્યું હતું કે, આ નાનકડા રોબોટે મને એવા જ જીવનસાથી સાથે મુલાકાત કરાવી, જેવો મારે જોઈતો હતો.
જાપાનમાં આ પ્રકારના પ્રોગ્રામ થતાં રહે છે, જ્યાં જઈને લોકો પોતાના જીવનસાથીને શોધે છે. જાપાનમાં આ કાર્યક્રમો ‘કોનકાત્સુ’ તરીકે જાણીતા છે, પરંતુ બે વ્યક્તિની વાત એકબીજા સાથે પહોંચાડવા રોબોટની મદદ પહેલી વાર લેવાઈ છે.