જામનગરઃ જગવિખ્યાત ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં પાંચ એન્ટ્રી ધરાવતા શહેરના જાણીતા એઇટ વન્ડર્સ ગ્રૂપે હવે જગતની સૌથી લાંબી બાઈક બનાવવાનો વિક્રમ પોતાના નામે કર્યો છે. આ અધધધ લાંબી બાઈક ૮૬ ફીટ અને ૩ ઈંચની છે. આ સાથે જ ૭૨ ફૂટ લાંબી બાઇકનો અગાઉનો વિક્રમ તૂટ્યો છે. નવેમ્બર ૨૦૧૫માં જામનગરમાં બનેલી આ અધધધ લાંબી બાઈકે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસની ૨૦૧૬ની યાદીમાં સ્થાન મેળવ્યું છે.
ગ્રૂપના સંચાલક ભરતસિંહ પરમારનું કહેવું છે કે આવો રેકોર્ડ બનાવવાનો વિચાર બહુ પહેલેથી જ હતો. અમારા એઈટ વન્ડર્સ ગ્રૂપના નામે આ છઠ્ઠો વિશ્વવિક્રમ છે. એન્જિનિયરિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા હોવાથી આ રેકોર્ડ સર્જવો માટે તેમના માટે પ્રમાણમાં સરળ હતો. જોકે આમ છતાં સમગ્ર ટીમે મળીને છ મહિના કામગીરી કરી ત્યારે આ બાઈક તૈયાર થઈ છે.
૮૬ ફૂટ લાંબી બાઈક બનાવવાની શરૂઆત કરી રીતે થઇ? આ માટે સૌથી પહેલા એક રેગ્યુલર મોટરસાઈકલ લઈને તેનું મોડિફિકેશન શરૂ કર્યું હતું. પાછલું વ્હિલ કાઢીને ત્યાંથી શરૂ કરીને લાંબી શાફ્ટ ફીટ કરી છે. ટ્રક અને બસના પાછલા પૈડાં જે રીતે શાફ્ટ વડે ચાલતા હોય એવી શાફ્ટ ફીટ કરી હતી અને વધારાના બે ગિયર સાથેનું બોક્સ પણ ફીટ કર્યું. પાછળનું વ્હિલ જોકે છકડો રિક્ષાનું છે કેમ કે આરપીએમ મેન્ટેઈન કરવા માટે વ્હિલ થોડું નાનું રાખવું જરૂરી હોય છે. જોકે આ બાઈક એકઝાટકે સૌથી લાંબી નહોતી બની. પહેલા ૨૯ ફૂટ, પછી ૩૯ ફૂટ પછી ૫૪ ફૂટ એમ આગળ વધતા ગયા હતા. બાઇક ૫૪ ફૂટની બની ત્યારે ભારતનો વિક્રમ તૂટયો હતો.
સામાન્ય રીતે ગિનેસ બુકને જાણ કરવામાં આવે પછી એ રેકોર્ડ માટેની કાર્યવાહી કરતી હોય છે. જોકે આ રેકોર્ડની જાણ થતાં ગિનેસ બુકના અધિકારીઓની ટીમ જામનગર આવી હતી. એ વખતે ભરતસિંહે જામનગરના લાખોટા તળાવ અને ધનવન્તરી મેદાનમાં બાઈક ચલાવી બતાવી હતી.
ગિનેસ બુકના નિયમ પ્રમાણે બાઈકને ઓછામાં ઓછા ૧૦૦ મીટરનું અંતર પગ નીચે અડાડયા વગર ચલાવવાની હોય છે. જોકે ભરતસિંહે એ બાઈક ૨૦૦ મીટરથી વધુ ચલાવી બતાવી હતી. ખાસ્સી લંબાઈને કારણે એ બાઈક બધા રસ્તા પર ચલાવી ન શકાય એ સ્વાભાવિક છે. રેકોર્ડ પછી જોકે ટીમે આ બાઈક વિખેરી નાખી છે અને હવે ફરીથી મોટરસાઈકલ રેગ્યુલર કરી દઈ તેનો વપરાશ કરી રહ્યા છે. પણ જરૂર પડયે ફરીથી એસેમ્બલ કરી શકાય એમ છે.
ગ્રૂપ એક, રેકોર્ડ અનેક
જામનગરના એઈટ વન્ડર્સ ગ્રૂપે ગિનેસ બુકમાં કુલ છ અને લિમ્કા બુકમાં તો ઘણા વિક્રમો નોંધાવ્યા છે. ગિનેસ બુકમાં ૬ રેકોર્ડ નોંધાવનારું એ ગુજરાતનું એકમાત્ર ગ્રૂપ છે. આ પહેલાં ગ્રૂપે ૧૧,૧૧૧ કિલોગ્રામનો લાડુ, ૫૧ ફૂટની અગરબત્તી, ૧૧ ફૂટ ૧૧ ઈંચની વાંસળી, ૪૨ ફૂટથી વધુ મોટી ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી વગેરે રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યા છે. દરેક રેકોર્ડ સાથે પાણી બચાવો, પર્યાવરણ બચાવો જેવા લોકજાગૃતિના સંદેશાઓ પણ આ ગ્રૂપ વહેતા મુકે છે.